મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા બોરિયાપાટી વિસ્તાર વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે અગાઉ સ્થાનિકો દ્વારા મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપતા તંત્ર અને નેતાઓ દોડતા થયા હતા અને ચૂંટણી પછી કામગીરી કરવાની ખાતરી આપી હતી બાદમાં મોડે મોડે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જોકે આ કામગીરી નબળી ગુણવતાની હોવાની ફરિયાદ ઉઠી હતી
અને આ મુદે સ્થાનિકો મોરબી પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરી એ પહોચ્યા હતા અને ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી તેઓની રજૂઆત મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ચારેક મહિનાથી ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામની ગુણવત્તા અત્યંત નબળી કક્ષાની છે. તેમજ પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી કરાઈ રહી નથી. આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો . તેથી યોગ્ય તપાસ કરવામાં આવે. રહીશોનું કહેવું છે કે તેઓએ સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટરને અનેક વખત રજૂઆત કરીને કામનો ફાઈનલ પ્લાન/ટેન્ડર કોપી/વર્ક ઓર્ડરની નકલ આપવા જણાવ્યું છે પરંતુ તેમને એક પણ કોપી મળી નથી. તેથી રહીશોએ કામ અટકાવી યોગ્ય તપાસ કરવા અને માંગેલી તમામ કોપી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ વોર્ડ નંબર 12ના બોરિયા પાટી વાડી વિસ્તારમાં અનેક સુવિધાનો અભાવ હોવાનું પણ જણાવાયું છે.

