છેવાડાના ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તે માટે સંયુક્ત રીતે ઘડાયો પ્લાન
હળવદ તાલુકામાંથી પસાર થતી માળીયા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પાણી લઈને પીયત કરે છે. જેથી કરીને છેવાડાના ખેડૂતોને પિયતનું પાણી નિયમિત અથવા પુરતુ મળતું નથી જેથી કરીને ગત મોડી સાંજે હળવદ ઈન્ચાર્જ પીઆઈ ડી.એમ ઢોલ, પીજીવીસીએલ તંત્ર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ સાથે હળવદ તાલુકાના 15 ગામોના સરપંચોની બેઠક મળી હતી. જેમાં ટીકર, અજીતગઢ, માનગઢ, ઘણાદ, માલણીયાદ, કીડી, જોગડ, નવા ઘાટીલા, નવા અમરાપર, સહિત 15 ગામોના સરપંચો અને આગેવાનોની હળવદ પોલીસ મથકે બેઠક મળી હતી. જેમાં માળીયા તાલુકાના છેવાડાના ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તે માટે સયુંક્ત રીતે મળીને એક પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં સરપંચો અને આગેવાનોએ સહકાર આપવાની વાત કહી હતી. સાથે નર્મદાના અધિકારીઓએ પણ ખેડૂતોને સહકાર આપવાની વાત કરી હતી. તો સાથે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે તેવી હૈયાધારણા પણ આપવામાં આવી હતી.

