મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભા ખંડમાં આજે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં મોરબી પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર અને કેનાલની સફાઈ ના પ્રશ્નો ઉઠ્યા હતા. આ ઉપરાંત સૌની યોજના અંતર્ગત પાઇપ લાઇનથી ગામડાના તળાવ ભરવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી.
આ સંકલન બેઠકમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી શહેરના લાતી પ્લોટને તમામ પ્રાથમિક સુવિધા ઉપલ્બ્ધ કરવા માટેની યોજના બનાવવા જણાવ્યું હતું. મચ્છુ-૨ની કેનાલમાં ભળી જતા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા પર ભાર મુકી મોરબીથી માળીયા જતા રોડની બન્ને બાજુ ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવા પણ જણાવ્યું હતું. ઉપરાંત નેશનલ હાઇ-વેને ક્રોસ કરતા ગામડાનાં રોડ પર ભુગર્ભની સફાઈ, રોડના બન્ને બાજુના દબાણ હટાવવા, સરકાર દ્વારા ચાલતી સૌની યોજના હેઠળ પાઇપલાઇનથી ૩ કી.મીની મર્યાદામાં આવતા તળાવ ચેકડેમ સાંકળવા, પ્રજાની મુશ્કેલીને હલ કરવા વાંકાનેર થી ભાવનગર જતી વધું એક બસ ચાલુ કરાવવી, ઉપરાંત જાહેર વિસ્તારો આસપાસ આવેલ ગેરકાયદેસર માંસાહારી લારીઓ કે દુકાનો હટાવવી વગેરે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા સાથે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ડીવાયએસપી ગોસ્વામી, વાંકાનેરના ધારા સભ્ય જીતુભાઈ સોમાંણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, ડેપ્યુટી કલેક્ટર ડી.સી. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલભાઇ શિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ તથા માર્ગ અને મકાન(પંચાયત) કાર્યપાલક ઇજનેર અજીત ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા સહિત મામલતદાર ટીડીઓ સહિતનાં અધિકારી જોડાયા હતા

