મયાપુરના અશોકભાઈ કણઝરીયાનું ક્રિકેટ મેચ દરમિયાન આવ્યો હાર્ટ અટેક
રાજ્યમાં હ્રદય રોગ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે હળવદ તાલુકાના મુળ મયાપુર ગામના અશોકભાઈ ભલજીભાઈ કણઝરીયાનું લજાઈ ખાતે ક્રિકેટ મેચ પ્રેક્ટિસ દરમિયાન હુમલો આવતા મોત નીપજ્યું છે. આમ જુવાન જોધ દીકરો ગૂમાવતા પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાયો છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પંચાયત દ્વારા સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનું દર વર્ષે આયોજન થતું હોય છે. જે ટૂર્નામેન્ટ આ વર્ષે 25થી 31 દરમિયાન રાજકોટ ખાતે રમાનાર હોય જેમાં લજાઈ ખાતે ક્રિકેટ મેચ પ્રેક્ટિસ બાદ લીંબડાના છાંયે બેસીને ક્રિકેટ મેચ અંગેની ચર્ચા કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક અશોકભાઈ કણઝરીયાને ઉલ્ટી થતા તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગર નહીં નિવડતા તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મૃતક ગ્રામ સેવક અશોકભાઈ કણઝરીયાને એકમાત્ર સંતાન 4 વર્ષનું હોય જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં પણ કાળો કલ્પાંત છવાયો છે.

