જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વતની અને ક્ષત્રિય સમાજના આગેવાન પથુભા જશુભા જાડેજાના જુવાન જોધ દીકરા અનિરુધ્ધસિંહ જાડેજા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે એક બાઈક ચાલક સાથે ગંભીર ટક્કર થવાથી તેઓને ગંભીર ઈજા પહોચી હતી. બનાવમાં તેઓનું સારવાર દરમિયાન અવસાન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અનિરુધ્ધસિંહ ખેતીની સાથે સાથે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ હતા.

તેમજ તેમની ઓળખ પ્રકૃતિ પ્રેમી તરીકે હતી તેઓ વૃક્ષને અતિ પ્રેમ કરતા હતા 43 વર્ષની ઉમરમાં તેઓએ ખાખરા તેમજ આસપાસના ગામમાં હજારો વૃક્ષનું વાવેતર કરાવ્યું હતું. તેમનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ એટલો ગાઢ હતો કે તેમણે ખ્યાલ આવે કે કોઈ આસપાસમાં વૃક્ષ કાપી રહ્યા છે તો તેઓ જાતે સ્થળ પર જતા અને જેસીબીનો ખર્ચ ઉઠાવી આખે આખું વૃક્ષ ઉખેડી બીજા સારા સ્થળે ટ્રાન્સ પ્લાન્ટ પણ કરતા હતા. આવા પ્રકૃતિ પ્રેમી પુત્રના તેમના અવસાન બાદ તેમના પરિવાર તેમજ તેમના મિત્ર જીલેશભાઈ કાલરીયાએ તેમના બેસણામાં રોપાનું વિતરણ કરી અનિરુધ્ધસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો હતો આજે સ્વ અનિરુધ્ધસિંહના ખાખરા ગામ ખાતેના નિવાસ સ્થાને 3000 જેટલા રોપાનું વિતરણ કર્યું હતું સાથે સાથે અગામી દિવસોમાં પણ આસપાસના ગામના બાળકોને બટુક ભોજન સાથે રોપા વિતરણ કરવાનું પણ આયોજન હોવાનું અનિરુધ્ધ સિંહના મિત્ર જિલેસભાઈ કાલરિયાએ જણાવ્યું હતું.

