હળવદના ઢવાણા ગામે ખેડૂતના તૈયાર ધાણાના પાકમાં કેનાલનું પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની માઈનોર કેનાલમાં સાફ સફાઈના અભાવે કેનાલ છલકાતા ખેડૂતના આશરે બે વીઘાના ધાણાના પાકમાં પાણી ફરી વળ્યું છે. કાપણી કરીને ધાણાનો પાક તૈયાર કર્યો હતો તે દરમિયાન કેનાલનું પાણી ફરી વળતા ખેડૂત સુરેશભાઈ ઠાકરશીભાઈને મોટું નુકસાન થયું છે
હળવદ તાલુકામાંથી પસાર થતી માઈનોક કેનાલ અવાર નવાર ઓવરફ્લો થવાના સમાચાર સામે આવે છે. ત્યારે આજે ફરી એકવાર હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ માઈનોર ડી-15 ઓવરફ્લો થઈ છે. જેના પગલે ખેડૂત સુરેશભાઈ ઠાકરશીભાઈના આશરે બે વીઘાથી વધુના તૈયાર થયેલા ધાણાના પાકમાં પાણી ફરી વળ્યા છે.
ખેડૂત દ્વારા ધાણા કાપણી કરીને ખરુ લે એટલી જ વાર હતી. ત્યારે માઈનોર કેનાલ આજે છલકાતા ખેડૂતના મોંમા આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. જેમાં બે વીઘાથી વધુના પાકમાં પાણી ફરી વળતા આશરે 15થી 20 હજારનું નુકસાન થયું હોવાનું ખેડૂત સુરેશભાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તો જવાબદાર તંત્ર ખેડૂતને સહાય અને માઈનોર કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

