રાજકોટમાં નિર્માણાધિન ૫૦૦ બેડની જનાના હોસ્પિટલની મુલાકાતે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પ્રગતિ અહેવાલ જાણ્યો હતો.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કલેક્ટરએ આજે હોસ્પિટલના તમામ માળની મુલાકાત લઈને ઝીણવટપૂર્વકની વિગતો મેળવી હતી અને નિર્માણકાર્ય કરતી એજન્સીઓ સાથે પણ સંવાદ કરીને પ્રોજક્ટ ક્યારે પૂર્ણ થશે તેની પૃચ્છા કરી હતી.
રાજકોટવાસીઓને વહેલાસર આ હોસ્પિટલની સેવાનો લાભ મળી શકે તે માટે તેનું નિર્માણ વહેલીતકે પૂર્ણ કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે તેવી શક્યતા એજન્સીઓએ વ્યક્ત કરી હતી.આ તકે ગાયનેક તેમજ પીડિયાટ્રીક વિભાગના વડા સહિતના તબીબોની ટીમ, હોસ્પિટલનો અન્ય સ્ટાફ, એજન્સીનો સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

