ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 62.89 મતદાન થયું છે. 2017 ની સરખામણી આ વખતે પ્રથમ તબક્કાનું મતદાન ઘટ્યું છે 2017માં આ 23 બેઠકો પર 64.43% જ્યારે 2022માં મતદાન ઘટી 58.59% રહ્યું. 2017માં ભાજપને સૌરાષ્ટ્રની 17 બેઠકોમાંથી 5 અને કોંગ્રેસને 12 મળી હતી. દક્ષિણની 6 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં ભાજપના ખાતામાં ગઈ હતી.
આદિવાસી અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર આ વખતે મતદાન ઓછું થયું છે. પ્રથમ તબક્કામાં પાટીદારોના પ્રભુત્ત્વવાળી 23 બેઠકો પર 2022માં 58.59 ટકા જ્યારે આદિવાસી બેઠકો પર 69. 86 ટકા મતદાન થયું છે.2017માં અનુક્રમે 64.43 ટકા અને 77.83 ટકા મતદાન થયું હતું. 2012 અને 2017માં પાટીદાર અને આદિવાસી પ્રભુત્ત્વવાળી આ બેઠકો પર ભાજપની બેઠકો ક્રમશઃ ઘટી છે. 2017માં 23 પાટીદાર બેઠકોમાંથી ભાજપને 11 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. 14 આદિવાસી બેઠકોમાંથી ભાજપને 5 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની 89 બેઠક પર મતદાન થઈ ગયું. હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે, જે 5 ડિસેમ્બરે થશે. ગુજરાતની તમામ 182 બેઠક પર થયેલી ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે કરવામાં આવશે. ત્યાં સુધી EVMને કડક સુરક્ષામાં રાખવામાં આવે છે. આમ, તો ઘણા પક્ષો પોતાની હાર બાદ EVMની પારદર્શિતા પર નિષ્ફળતાનાં ઠીકરાં ફોડી ચૂક્યા છે, ત્યારે માત્ર 6 સ્ટેપમાં જાણો કે તમે મત આપ્યા બાદ હવેના એક અઠવાડિયા સુધી EVM કઈ-કઈ પ્રક્રિયામાંથી પસાર થશે અને એની સુરક્ષા અંગે કેવાં પગલાં લેવામાં આવે છે.


