સમગ્ર દેશને હચમચાવી નાખનાર મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના એક સપ્તાહ જેટલો સમય થયો છતાં સરકાર તરફથી સંતોષ જનક કામગીરી ન થઇ હોવાની ફરિયાદ ઉઠતા આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ઘટનાને લઇ સૂઓમોટો દાખલ કરવામાં આવ્યો છે અને ચીફ જસ્ટીસ દ્વારા આ કાળજું કંપાવનારી આ ઘટનામાં સરકારે શું શું પગલા લીધા તે અંગે રીપોર્ટ 10 દિવસમાં સોપવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની ખંડપીઠે આ મામલે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ (SHRC)વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે.
આ હોનારત અંગે મીડિયા રિપોર્ટના આધારે સુઓ મોટો નોંધ લેતા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે જાહેર હિતની અરજી (PIL) હાથ ધરીને તેના વિશે રજિસ્ટ્રારને જાણ કરી હતી. આ નિર્દેશ આપતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, “દિવાળી વેકેશન માટે અદાલતો બંધ હોવાથી, તેમણે રજિસ્ટ્રારને મીડિયા અહેવાલને સુઓ મોટો PIL તરીકે ગણીને આગળની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.” બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી, જેમાં ખુબ મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકો કમોતે મર્યા હતા. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
આ ખંડપીઠમાં જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે સોમવારે છ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આમાં રાજ્ય માનવાધિકાર પંચે અલગથી રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની, ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી તે તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરવામાં આવી હતી

