હળવદ તાલુકાના રણમલપુરના ઉપસરપંચ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. નવરાત્રી દરમિયાન રણમલપુર ગામમાં મહાકાળી માતાજીના નાટકમાં મંગળપુરથી આવેલા યુવાનોએઝઘડો કર્યો હતો. જેનો ખાર રાખી મોડી સાંજે ત્રણ શખ્સોએ ઉપસરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક શખ્સ દ્વારા છરીથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ નિષ્ફળ નીવડતા પથ્થરોના ઘા મારી ઇજા પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્તને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ મુજબ ઉપસરપંચ અનિલભાઇ ગામના ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી પરત ફરતા સમયે ત્રણ શખ્સોનો ભેટો થઇ ગયો હતો. જેને જૂના મનદુખનો ખાર રાખી ઉશ્કેરાઇ ગઇ ગાળો દેવા લાગ્યા હતા. તો સાથે ભુરાભાઇ ગુગાભાઇએ તેની ભેટમાં રહેલી છરીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળ નીવડતા બાજુમાં રહેલા પથ્થરો લઇ માથાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. અને ઉપસરપંચને ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. જેથી કરીને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ગામના સરપંચ સહિત ગામના આગેવાનો સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન માથામાં ત્રણ ટાંકા આવેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં આઠમના દિવસે આ ત્રણેય જણા ગોપાલ કેસુભાઇ કોળી, બળદેવ ગોવાભાઇ કોળી અને ભુરા ગોગાભાઇ કોળી દારૂ પીને અમારા ગામની ગરબી ચોકમાં બબાલ કરી ગયા હતા. જેથી કરીને ચાર 4 ઓક્ટોબરના હળવદ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

