સૌરાષ્ટ્રમાં ખરીફ ઋતુની મગફળીની ધૂમ આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ છે ત્યારે સીઝન ટાણે જ સિંગતેલ આજે રાજકોટ તેલ બજારમાં વધુ રૂ।. 20 વધીને રૂ।. 2900એ પહોંચ્યું હતું. મધ્યમવર્ગીય લોકો નવરાત્રિથી દિવાળી સુધીના સમયમાં ખાદ્યતેલ દાયકાઓથી સસ્તુ રહેતું હોવાથી આખા વર્ષનું તેલ ખરીદતા રહ્યા છે પરંતુ, આ વર્ષે તેલલોબીની બેફામ નફાખોરીના કારણે મધ્યમવર્ગ મોંઘવારીની ચક્કીમાં વધુ પીસાય તેવા સંજોગો ઉભા થયા છે.
ગુજરાતમાં સરકારના કૃષિ મંત્રાલયે જાહેર કર્યા મૂજબ ખરીફ-૨૦૨૨ ઋતુમાં મગફળીનું આશરે ૩૯ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે, આ મૂજબ આશરે 13,50,000000કિલો અર્થાત્ પ્રત્યેક 15 કિલોના 9 કરોડ તેલના ડબ્બાનું ઉત્પાદન સંભવ છે. નવો પાક ઉપરાંત જુની મગફળી ચોમાસામાં આવતી રહી છે. દેશમાં 46 ટકાથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને જ સરકારી તંત્રની સુસ્તી વચ્ચે સ્થાનિક ખાદ્યતેલ મોંઘુદાટ લેવું પડે અથવા તેલ છોડવું પડે કે વપરાશ ઘટાડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

