મોરબી : પીપળી-જેતપર રોડ અને મોરબી-હળવદ રોડ મોરબીવાસીઓના માથાના દુ:ખાવા સમાન હોવા છતાં હજુ મોરબીવાસીઓને આ રોડનું કામ શરુ થવામાં કેટલી રાહ જોવી પડશે ? એ સવાલ હાલમાં મોરબી ભાજપની શાખ ઉપર કલંકની જેમ ટોળાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રનું પેરીસ કહેવાતી સિરામિક નગરી મોરબી રોડ-રસ્તાની સમસ્યા માટે બદનામ છે. મોરબી શહેરના રસ્તા હોય કે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના રોડ હોય ઠેર-ઠેર ખાડારાજ વર્ષોથી વ્યાપેલું છે. અંદાજીત બારેક મહિનાથી પીપળી-જેતપર રોડ અને મોરબી-હળવદ રોડ સતત સોશિયલ મીડીયામાં ચર્ચામાં રહ્યા છે. ભયંકર મોટા-મોટા ખાડા મોરબીવાસીઓ માટે સરદર્દ સમાન બની ગયા છે. રાજકીય પક્ષો પર કટાક્ષ કરતી અનેક પોસ્ટ અને કોમેન્ટ સતત પ્રસરતી રહી છે તો વારંવાર પત્રકારોએ પણ આ બંને રોડથી પરેશાન મોરબીવાસીઓની વેદનાને વાચા આપી છે અને આ બધી માથાકૂટ પછી છએક મહિના પહેલા બંને રોડ ફોર લેન કરવાની દરખાસ્ત મંજુર થઈ અને ટેન્ડર પણ ખુલી ગયા. જેને પણ લગભગ અઢી મહિના જેટલો સમય થયો છતાં રોડનું કામ હજુ સુધી શરુ થયું નથી એટલે જ મોરબીવાસીઓને હવે સરકારની નવી જાહેરાત પણ ભ્રામક લાગવા લાગી છે.

જેતપર-પીપળી રોડ અને મોરબી-હળવદ રોડના ટેન્ડર ખુલી ચુક્યા છે. લગભગ 142 કરોડ અને 197 કરોડના ખર્ચે આ બંને રોડ થવાના છે પરંતુ નવાઈની વાત એ છે કે અહીંથી માર્ગ મકાન વિભાગે પોતાની કાર્યવાહી પૂર્ણ કરી તેને અઢી મહિના જેટલો સમય વીતી ગયો છે અને બન્ને રોડની ફાઈલ હાલમાં ગાંધીનગર પડી છે પરંતુ ગાંધીનગરથી અઢી મહીને પણ લીલી ઝંડી આવી નથી જેના લીધે રોડના કામ હજી સુધી શરુ પણ થયા નથી. મોરબીવાસીઓ આ બંને રોડ મુદે વર્ષોથી બુમો પાડે છે પરંતુ તંત્ર લોકોની સમસ્યા ઉકેલવામાં હંમેશા ઉદાસીન રહ્યું છે.
તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના રોડ શો માટે જે રીતે રાતોરાત રોડ બની ગયા તેનાથી મોરબીવાસીઓનો આક્રોશ વધુ ભડક્યો છે અને તેના સંકેત સોશિયલ મીડિયામાં પણ જોઈ શકાય છે. મોરબી માટે અનિવાર્ય બનેલા રોડના મંજુર થયેલા કામો પણ શરુ થયા ન હોય પાલિકાની તમામ 52 બેઠકો અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સતા હોવા છતાં પણ કામમાં થઈ રહેલો વિલંબ મોરબીના ભાજપના નેતાઓની શાખ ઘટાડી રહ્યો છે જોકે આ બધી ચર્ચાઓ વચ્ચે આ રોડને લીલીઝંડીની જોવાતી રાહ ક્યારે પૂરી થશે તે કહેવું મુશ્કેલ છે !

