ભાજપની મંથન બેઠક દરમિયાન પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્ય રણનીતિકાર અમિત શાહે ખૂબ જ આકરૂં વલણ અપનાવ્યું હતું. જે પણ મંત્રીઓએ પોતાને ફાળવવામાં આવેલા સંસદીય ક્ષેત્રોની મુલાકાત લઈને ત્યાં શું સ્થિતિ છે તેનો તકાજો નથી મેળવ્યો તેમને અમિત શાહે ચેતવણી આપી દીધી હતી.અમિત શાહે મંત્રીઓને કહ્યું હતું કે, ‘આપણે અહીં સંગઠનના કારણે છીએ. સરકાર પણ સંગઠનના કારણે છે.
સંગઠનને પ્રાથમિકતા: સંગઠનને પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય છે. પીએમ મોદીના નામે કોઈ પણ જીતી શકે છે પરંતુ જો જમીની સ્તરે કોઈ સંગઠન નથી તો આપણે તેનો ફાયદો નહીં ઉઠાવી શકીએ.’
પોતાના બળે આ પ્રકારે બહુમત: અમિત શાહે કહ્યું હતું કે, ‘આપણે ગત 2019ની સરખામણીએ વધારે બેઠકો જીતવાની છે… ,તે સમયે આપણે 2014માં હાર્યા હતા તે બેઠકોમાંથી 30 ટકા બેઠકો જીત્યા હતા…, આપણે 2019માં જે બેઠકો પર હાર મળેલી તેમાંથી 50 ટકા બેઠકો જીતવાની છે.’ઉલ્લેખનીય છે કે, 2019માં ભાજપે 543 લોકસભા બેઠકોમાંથી 303 પર વિજય મેળવ્યો હતો. અનેક દશકા બાદ પ્રથમ વખત કોઈ પાર્ટી પોતાના બળે આ પ્રકારે બહુમત મેળવી શકી હતી. તે સમયે વિપક્ષ સૌથી વધુ બેઠકો જીત્યું હતું. જેમાં કોંગ્રેસને સૌથી વધારે 53 બેઠકો મળી હતી.

