રાજકોટ શહેરમાં દૈનિક 20થી 25 ઢોર પકડવામાં આવે છે અને આ કામગીરી 10-10 માણસોની બે ટીમ દ્વારા સવારે 6થી 2 અને બપોરે 2થી 10ની શીફ્ટમાં કરાતી હોય છે. હવે રાત્રિના 10થી સવારે 6 દરમિયાન પણ આ કામગીરી જારી રાખવા મ્યુનિ.કમિશનર દ્વારા ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે અને મોડી રાત્રિના રસ્તે રઝળાવાતા ઢોર પકડવામાં આવશે તેમ જણાવાયું છે.
લોલમલોલ: લમ્પી વાયરસના ઉપદ્રવને પગલે ગૌશાળાઓ, પાંજરાપોળ દ્વારા મનપા દ્વારા પકડાયેલા ઢોર સ્વીકારવા ઈન્કાર થતા ઢોર પક્કડ કામગીરી મંદ થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકારે રાજકોટ સહિત 15 જિલ્લાને નિયંત્રીત વિસ્તાર જાહેર કર્યો છે જ્યાં ઢોર જ્યાં હોય ત્યાં જ રાખવાના હોય છે છતાં ઢોર રસ્તે રઝળતા જોવા મળે છે.
રાઉન્ડ ધ કલોક કામગીરી: રાજકોટમાં કાલાવડ રોડ જેવા મુખ્ય માર્ગો પર ફરી રસ્તાની વચ્ચે ઢોર દેખાવા લાગ્યા છે તે દરમિયાન વડી અદાલતે આ મુદ્દે આદેશ જારી કરતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં આવ્યું છે અને હવે આવતીકાલથી રાઉન્ડ ધ ક્લોક મધ્યરાત્રિના પણ ઢોર પકડવાની કામગીરી કરવા નિર્ણય લેવાયાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતું.

