કેરલમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં પણ વાઇરસનો ત્રીજો કેસ છે. કેરલના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, મલપ્પુરમ નામનો ૩૫ વર્ષનો પુરુષ ૬ જુલાઇએ યુએઇથી પરત ફર્યો હતો. તેને ૧૩ જુલાઇથી તાવ હતો. મંજરી મેડિકલ કોલેજમાં તેની સારવાર થઈ રહી છે અને તેની સ્થિતિ સારી છે.
દર્દીના સઘન સંપર્કમાં આવેલા તમામ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમની તબિયત પણ સ્થિર છે. જ્યોર્જે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં રોગનું ટેસ્ટિંગ અને સર્વેલન્સ વધારી દેવાયા હોવાથી ગભરાટની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિને રોગ વિશે જાણ હોવી જરૂરી છે. તમામ જિલ્લામાં આઇસોલેશન સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.’

દેશમાં કોરોનાના નવા 21,880 કેસ: 60 દર્દીનાં મોત
દેશમાં કોરોનાના નવા ૨૧,૮૮૦ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૦ લોકોના મૃત્યુ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૨૫,૯૩૦ થયો છે. એક્ટિવ કેસમાં ૬૦૧નો વધારો નોંધાયો છે અને તે કુલ સંક્રમણના ૦.૩૪ ટકા છે. કોરોનાનો રિકવરી રેટ અત્યારે ૯૮.૪૬ ટકા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી દર ૪.૪૨ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર ૪.૫૧ ટકા છે.

