ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે.
નવી ટીપી: સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-૪૦ ડિંડોલી પણ મંજૂર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મંજુર કરેલી બે ટીપી સ્કીમમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૮૦ (વટવા-૬) અને ઔડા અંતર્ગત ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૪૨૬ (કઠવાડા) તેમજ એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૧૦ (શાપુર)નો સમાવેશ થાય છે.

આટલી જમીન: શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. ૪૨૬ (કઠવાડા) માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૩.૬૯ હેકટર્સ જમીન મળતા આશરે ૩૩૦૦ જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૦.૯૪ હેકટર્સ, જાહેર સુવિધા માટે ૦.૯૨ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૫.૭૪ હેકટર્સ જમીન મળી કુલ આશરે ૧૧.૮૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

