રવિવારે મોડી સાંજે પડેલા વરસાદમાં શહેરમાં ૧૯૦ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેમાં થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે એક તોતિંગ વૃક્ષ રિક્ષા પર પડતા રિક્ષામાં સવાર મુસાફરનું મોત નિપજ્યું હતું. માંડવીની પોળમાં એક જર્જરિત મકાન તૂટી પડયું હતું. સોમવારે સવારે 9.40 કલાકે ગુરૂકુળ રોડ પર આવેલ આમ્રકુંજ એપોર્ટમેન્ટની જર્જરિત સીડી તૂટી જતા તેમાં ફસાયેલા ૧૯ લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બચાવાયા હતા.
રવિવારે દુર્દશા: રવિવારે શહેરમાં પડેલા સરેરાશ ૧૭.૦૩ મિ.મી.વરસાદમાં જ શહેરની દુર્દશા જોવા મળી હતી. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ થલતેજ સુરધારા સર્કલ પાસે રવિવારે સાંજે ૬ઃ૩૦ કલાકે ઝાડ પડતા રિક્ષા દટાઇ હતી. જેમાં ગંભીરરીતે ઇજા થતા સહાની અશોકભાઇ નામના પેસેન્જરનું મોત નિપજ્યું હતું.

વસ્ત્રાપુરની ઘટના: વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે ઝાડ પડતા એક બાઇક ચાલક દટાયો હતો. કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેેડે ઝાડમાં બાઇક સાથે ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. શહેરમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૬૬ વૃક્ષો ધરાશાયી થયા હતા.
ઉતર પશ્ચિમ ઝોનમાં ૪૮, દક્ષિણ ઝોનમાં ૧૭, પશ્ચિમ ઝોનમાં ૩૮, પૂર્વ ઝોનમાં ૧૭ અને મધ્ય ઝોનમાં ૪ વૃક્ષો પડયા હતા. જેના કારણે શહેર ભરમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. સોમવાર સુધીમાં ૧૫૩ વૃક્ષોને રોડ પરથી ખસેડી દીધા હતા. બાકીના ૩૭ વૃક્ષોને દુર કરવાની કામગીરી ચાલી રહી છે.
રવિવારે સાંજે ૬ થી રાતના ૧૨ વાગ્યા સુધીમાં જોધપુર અને ઉસ્માનપુરામાં ૪૭ મિ.મી.વરસાદ પડયો હતો. બાકીના વિસ્તારોમાં અડધાથી પોણા એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો

