ફેન્સી નંબર પ્લેટ રાખવાનો ટ્રેન્ડ હજુ પણ પૂરો થવાનું નામ લઈ રહ્યો ન હોય તેની સામે તેમજ કારમાં કાળા કાચ રાખીને ફરતાં કારચાલકો સામે પોલીસે દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કરતાં કાયદાનો ભંગ કરી રહેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અનેક જગ્યા એ ચેકીંગ: પોલીસ વિભાગ દ્વારા લોકોને મેસેજ આપવામાં આવી રહ્યો હોય તેમ શહેરમાં ચારે બાજુ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસની સાથે જ અન્ય પોલીસ મથકોના સ્ટાફને પણ ચેકિંગની કામગીરીમાં જોડી દેવામાં આવ્યો હોવાથી સવાર અને સાંજ ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો દંડાઈ રહ્યા છે. તાજેતરમાં જ ચાર દિવસની અંદર પોલીસ દ્વારા લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવ્યા બાદ ચેકિંગનો સિલસિલો યથાવત રાખ્યો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલું જ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિસ્તારમાં ચેકીંગ: ભક્તિનગર, માધાપર ચોકડી, સદર બજાર, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, કિસાનપરા ચોક, જામનગર રોડ સહિતના લગભગ તમામ વિસ્તારોમા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો પાસેથી 300થી લઈ 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પોલીસ દ્વારા કરવામાં આવેલા ચેકિંગથી બચવા માટે વાહનચાલકો દ્વારા શેરી-ગલીઓ માંથી નીકળતા જોવા મળી રહ્યા છે.

