અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી ત્યાર બાદ સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડ્યો હતો.

વરસાદી માહોલ: અમરેલીના સાવરકુંડલા, વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની અને પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન બાદ અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં ઠંડક જોવા મળી છે. બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકાના દેરલા,રાણીગામ પીપરડી જેવા ગામમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.પણ કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.

પાટણમાં પલટો: ઉત્તર ગુજરાતમાં પાટણના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાધનપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું તેમજ મેમદાવાદ ગામ નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પણ મોડી સાંજે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ફેરબદલ થયું છે.

