નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દાઉદ ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે એજન્સીએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા ડી કંપની કેસમાં બે શકમંદોની ધરપકડ કરી છે. આ શકમંદોને શુક્રવારે વિશેષ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અઠવાડિયે NIAએ લગભગ 29 સ્થળો પર સર્ચ કર્યું હતું. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ છોટા શકીલના સહયોગી છે.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આરિફ અબુબકર શેખ (59) અને શબ્બીર અબુબકર શેખ (59) તરીકે કરવામાં આવી છે. એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને ડી કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ટેરર ફાઇનાન્સિંગમાં સામેલ હતા.”

પાકિસ્તાનમાંથી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ચલાવતા છોટા શકીલ વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તે ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. એક અધિકારીએ કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર સિન્ડિકેટ દાઉદ ગેંગ સરહદ પારથી ચલાવી રહી છે. અમે 21 લોકોને તેમની ભૂમિકા માટે બોલાવ્યા છે. તપાસ ટીમમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છોટા શકીલના સંબંધીઓ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, સુહેલ ખંડવાની, સમીર હિંગોરાની, કથિત હવાલા ઓપરેટર્સ અબ્દુલ કયૂમ, અજય ગોસાલિયા, મોબિદા ભીવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને અસલમ સરોડિયા એનઆઈએના રડાર પર છે.

