અત્યાર સુધી આપણે અનેક બૅન્કોનાં નામ સાંભળ્યાં હશે, પરંતુ ગોટ બૅન્કનું નામ કદાચ પહેલીવાર કાને પડઘાય છે! મુંબઈના પાલઘરના મોખાડા અને જવ્હાર ગામની લગભગ 100 આદિવાસી મહિલાઓએ ગોટ બૅન્કના સહયોગથી લોન પર બકરી લઈને કૃષિઉદ્યોગને વેગ આપવા અને બકરી ઉછેરમાં ઝંપલાવીને વધુ સારો નફો મેળવવા પગલાં ભર્યા છે.
આ માટેના એક નવીન કોન્સેપ્ટનો લાભ લીધો છે. ‘ગોટ બૅન્ક ઑફ કરખેડા’ અકોલાના નરેશ દેશમુખ એનું સંચાલન કરે છે. તેમની સાથે સંકળાયેલી ફીમેલ બકરીઓ આપવા માટે મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળના રાજ્ય મહિલા આર્થિક વિકાસ મહામંડળ સાથે તેમણે કરાર કર્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ યંત્રણા પાલઘર, પંચાયત સમિતિ જવ્હાર, મહારાષ્ટ્ર રાજ્ય આજીવિકા અભિયાન પાલઘર અને માનવ વિકાસ મિશનના આર્થિક સહયોગથી કરખેડા ઍગ્રો પ્રોડ્યુસર કંપની અકોલા અને ઉન્નતિ મહિલા પ્રભાગ સંઘ દ્વારા મહિલાઓને આ લાભ આપવામાં આવી રહ્યો છે.
લગભગ 100 જેટલી આર્થિક રીતે નબળા વર્ગોની મહિલા ખેડૂતો બકરી ઉછેર તરફ વળી છે. બકરી લોન એટલે કે ગોટ લોન મેળવવા માટે મહિલા ખેડૂતે રજિસ્ટ્રેશન-ફી તરીકે 1100 રૂપિયા ચૂકવીને લોન-કરાર કરવો પડશે. લોન યોજના મુજબ લોન પર બકરી લીધા બાદ 40 મહિનાના સમયગાળામાં ૪ ઘેટાં આપવાં પડશે. અમે લાભાર્થીઓને દર 10 માદા બકરીઓ સાથે એક સગર્ભા બકરી અને એક નર બકરીનું વિતરણ કર્યું હતું. આ યોજના હેઠળ લોન પર બકરી લેનાર દરેક પરિવારને આશરે 2.50 લાખ રૂપિયા સુધીનો નફો થશે. એક બકરીને સાતથી આઠ મહિનામાં બે કે ત્રણ બાળકો થાય છે. જો એમને સારી રીતે પોષણ મળે તો તેઓ એક વર્ષમાં ઉત્પાદક બની જાય છે અને મહિલાઓ માટે પૈસા કમાવાનો એ સારો વિકલ્પ બની રહેશે.

