ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નરેશ પટેલ અંગે પ્રતિક્રિયા આપી દીધી છે. જેના કારણે ગુજરાતના રાજકારણનું તાપમાન અચાનક વધી ગયું છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, નરેશ પટેલ સામાજિક અને આદરણીય નેતા રહ્યા છે. તે કોંગ્રેસના હાઈકમાન્ડને મળે એ મોટી અને ખુશીની વાત છે. નરેશ પટેલ જેવા નેતાનું કોંગ્રેસમાં સ્વાગત છે. એમના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસપક્ષ વધુ મજબુત બની જશે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટૂંક જ સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરવાના છે. પણ હજુ સુધી તેમણે કોઈ પાર્ટી અંગે ચોખવટ કરી નથી. તેમણે કહ્યું હતું કે, યોગ્ય સમયે તે કઈ પાર્ટીમાં જોડાય છે એ અંગે જાહેરાત કરશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કર્યા બાદ શનિવારે તેઓ દિલ્હીથી રાજકોટ આવવા માટે નીકળ્યા હતા. શનિવારે સવારે તેઓ દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડને મળ્યા હતા. હવ મે મહિનામાં તેઓ રાજકારણમાં એન્ટ્રી કરે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની નરેશ પટેલની બેઠકમાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

નરેશ પટેલે એમની સાથે પણ વાત કરી હોવાના વાવડ મળી રહ્યા છે. બીજી તરફ હાર્દિક પટેલ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,હાર્દિકનો કેસ કોંગ્રેસ પક્ષની અંદરનો કેસ છે. ભાજપના કયા સંદર્ભે વખાણ કર્યા એ તો હવે હાર્દિક જ સ્પષ્ટતા કરી શકે છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેના કારણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ હાર્દિકથી નારાજ છે. આ સાથે તેમણે ભાજપના કામના વખાણ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ જે ખરેખર સારૂ કામ છે. આ પરથી કહી શકાય કે, હાર્દિક પટેલ ભાજપના નેતૃત્વ અને સંગઠન શક્તિથી પ્રભાવિત થયા છે.
જેની સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભાજપ અને પીએમ મોદીની વિચારધારાથી આખો દેશ પ્રભાવિત છે. હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઘણા પ્રભાવિત હશે. આખો દેશ ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીની વિચારધારાથી પ્રભાવિત છે. પીએમ મોદી અને કામ કરવા પદ્ધતિએ અને દેશનો જે રીતે આગળ વધાર્યો છે. દરેક ક્ષેત્રમાં એક સર્વાંગી વિકાસ કોને કહેવાય એ તેમને છેલ્લા 2014થી આખા દેશ અને દુનિયાને બતાવ્યું છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસના ઘણા નેતા હાર્દિક પટેલ સિવાય પણ પ્રભાવિત હશે.


