રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના મહિલા PSI તથા એમના પાંચ માણસો રાજકોટ શહેરથી 80 કિમી દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા. આ મહિલા અધિકારીની સાથે ચાર પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં પહેલી વખત એવું બન્યું છે કે, દારૂથી ભરેલા ટ્રકનું કોઈ મહિલા પોલીસે પાયલોટિંગ કર્યું હોય.
સ્ટેટ મોનિટરિંગની ટીમ-SMCને આ તમામને પકડી પાડીને સાયલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. રાજકોટ સિટી પોલીસ ફરી એકવખત વિવાદમાં આવી છે.આ પહેલા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ક્રાઈમ બ્રાંચના PI, PSI સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. હવે ક્રાઈમ બ્રાંચ શાખાના મહિલા PSI દારૂથી ભરેલા ટ્રકનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. 394 દારૂની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ટોળકીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ એમને પકડી પાડીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ અંગે જ્યારે રાજકોટ પોલીસના અધિકારીઓને પૂછવમાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, અમને જાણ નથી. પોલીસ ઉચ્ચ અધિકારી, ક્રાઈમ બ્રાંચ DCP,SP સહિતના અધિકારીઓ સુધી આ વાત પહોંચી છે. આવી કોઈ ઘટના બને ત્યારે પોલીસ સ્ટાફમાંથી જ અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે. જોકે, આ કોઈ નવી વાત નથી. દારૂ ભરેલા ટ્રકની આગળ એક કાર જતી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચના મહિલા અધિકારી ભાવના ક13QAV ડછા રાઉન્ડ પર હતા. એમની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ હતા. જ્યારે સ્ટેટ મોનિટરિંગની ટીમે પકડી પાડ્યા ત્યારે ટ્રકમાં ડ્રાઈવરની સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તમામની અટકાયત કરીને સાયલા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ટ્રકની તપાસ કરતા અંદરથી 394 પેટી દારૂ મળ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસો પહેલા તો ગભરાઈ ગયા હતા. પછી દારૂ પકડવા માટે આવ્યા હોવાનું રટણ કર્યું છે. આ આખી ટીમ કોની મંજૂરીથી રાજકોટથી 80 કિમી દૂર ગઈ એ બોલવા માટે કોઈ તૈયાર નથી. રાજકોટ પોલીસની દારૂની હેરાફેરી કરતા શખ્સો સાથે સાંઠગાઠ હોવાની વાતો પણ ચર્ચામાં રહી છે. દારૂ વેચાણ માટે બૂટલેગર સાથે સાંઠગાઠ ધરાવી તેને પ્રોટેક્શન પૂરુ પાડતી હતી કે નહીં એ એક ચર્ચાનો અને તપાસનો વિષય બની રહ્યો છે. મહિલા પોલીસ અધિકારી ભાવના કડછા સાથે 3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ હતા. જે ટ્રકને રાજકોટ બાજુ લઈ જતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ટ્રકનું અપહરણ કર્યાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસ સ્ટાફના લોકો એવું કહે છે કે તેઓ દારૂ પકડવા માટે ગયા હતા.

