આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો થવા લાગ્યો છે. 14 વર્ષમાં પ્રથમ વખત ક્રૂડ ઓઈલનો ભાવ 114 ડોલરને પાર થયો છે. યુરોપિયન યુનિયને રશિયા ઉપર નવા પ્રતિબંધો લગાવતા ક્રૂડના સપ્લાય ઉપર તેની વ્યાપક અસર દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસોના ભાવમાં વધારો થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

બ્રેન્ટ ક્રૂડની કિંમત ફરી એકવાર ચઢવા લાગી છે. સોમવારે, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 111 ડોલર હતી. જે આજે વધીને 114 ડોલર પર પહોંચી ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (ઓપેક)એ લક્ષ્યાંક મુજબ ઉત્પાદન ચાલુ રાખ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર નવા પ્રતિબંધો લાદવામાં આવતા પુરવઠામાં વધુ અવરોધ ઊભો થયો છે. લીબિયામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન પણ ઘટ્યું છે, જ્યારે ચીન તેના બજારો ફરીથી ખોલી રહ્યું છે. જેના કારણે વપરાશ વધુ વધવાની આશા છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં પણ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોમાં વધારો થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં નેચરલ ગેસની કિંમત 8 ડોલર પર પહોંચી ગઈ છે. જે 14 વર્ષમાં સૌથી વધુ કિંમત છે. નેચરલ ગેસના ભાવમાં સતત બીજા મહિને વધારો યથાવત્ રહ્યો છે. એપ્રિલમાં અત્યાર સુધીમાં તેની કિંમત 38 ટકા વધી છે. બીજી તરફ અનામતમાં ઘટાડો થઈ રહ્યો છે. યુએસમાં કુદરતી ગેસનો ભંડાર ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિકાસમાં 13 ટકાનો વધારો થયો છે.

