શનિવારે ધો.10નું હિન્દીનું પેપર લીક થયું હતું. ચાલું પરીક્ષા એ જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા શિક્ષણવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. હવે પેપરલીક કાંડનું દાહોદ ક્નેક્શન સામે આવ્યું છે. જ્યાંથી આ પેપર વાયરલ થયું હતું. અમિત તાવિયાડ નામના શખ્સે પેપર શરૂ થયાના અડધો કલાક બાદ આ પેપર સોશિયલ મીડિયા પર ફરતું કરી દીધું હતું. પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.
તા.9 એપ્રિલના રોજ ધો.10ની હિન્દીની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. પેપર પૂર્ણ થાય એના અડધો કલાક પહેલા હિન્દીનું આ પેપર આન્સકી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જેના કારણે રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે ફેસબુક એકાઉન્ટ પરથી આ પેપરલીક થયું હતું એ સંજેલીના ચમારીયાના હોળી ફળીયામાં રહેતા ઘનશ્યામ જગદીશભાઈ ચારેલાનું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘનશ્યામને આ પેપર નાની સંજેલીમાં રહેતા સુરેશ દલસિંગ ડામોરે 9687866394 નંબર પરથી વોટ્સએપમાંથી 11.52 કલાકે જવાબ સાથે મોકલી દીધું હતું.

સુરેશ ડામોરની પોલીસે ઉલટ તપાસ કરતાં બીજી ઘણી વિગત સામે આવી હતી. તેમનો પુત્ર ચિરાગ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હોવાનું સામે આવ્યું. હિન્દી વિષયના પેપર માટે મુળ મહિસાગર જિલ્લાના કાળીબેલના રહેવાસી અને નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમશાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેશ મોતીભાઇ પટેલે અન્ય એક વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. આ શિક્ષકના ભુતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ સીંગવડ તાલુકાના મેથાણમાં ગામે રહે છે. તે અમીત ભારતાભાઇ તાવિયાડનો સંપર્ક કરાવી સમગ્ર કાવતરૂ ઘડ્યું હતું. જે અમિત તાવિયાડે હિન્દીનું પેપર સવારે 10:47 કલાકે મોબાઇલ નંબર 9313554848 પરથી સુરેશ ડામોરને મોકલી દીધુ હતું. જેની બીજી એક પ્રિન્ટ કાઢવા માટે સુરેશે તેના મિત્ર જયેશ દલસિંગ ડામોરને ફોન કરીને સંપર્ક કર્યો હતો. પછી જયેશે એને પોતાના ઘરે બોલાવીને આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે એના જ સંબંધી ઘનશ્યામ જગદીસ ચારેલને મોકલી દીધું હતું. એ પછી આ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. દાહોદ પોલીસે આ પાંચેયની સામે ફરિયાદ નોંધી કાયદેસરના પગલાં લીધા છે.

ધો.10નું હિન્દીનું આ પેપર અમિત નામના વ્યક્તિએ પોણા અગિયાર વાગ્યે જ સુરેશને મોકલી દીધું હતું. એટલે કે પેપર શરૂ થયાના અડધો કલાક બાદ. અમિત પાસે આ પેપર ક્યાંથી આવ્યું એ અંગે કોઈ ચોખવટ હાલ થઈ નથી. પોલીસ પૂછપરછ કરી રહી છે. કોઈ શિક્ષકની ભૂમિકા હોવાની પોલીસને આશંકા છે. આ કેસમાં પોલીસે ઘનશ્યામ ચારેલ, સુરેશ ડામોર, શૈલેષ પટેલ અને જયેશ ડામોર ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા કરી છે. જ્યારે અમિતની શોધખોળ ચાલું છે. ધોરણ 10ના હિન્દીના પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. ઘનશ્યામે સોલ્વ પેપરના ફોટો સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા.

