ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરવાના છે. એને લઈને હવે રાજનેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી છે. છેલ્લા દોઢ મહિનાથી આ વાત પર સસ્પેન્સ રહ્યું છે કે, તેઓ કઈ પાર્ટીમાં જઈ રહ્યા છે. જોકે, આ અંગે તેમણે જ સ્પષ્ટતા કરી હતી કે, હું સમય આવ્યે કઈ પાર્ટીમાં જઈ રહ્યો છું એ જાહેર કરીશ. આ માહોલ વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયા સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું કે, નરેશ જો કોઈ પક્ષમાં જોડાશે તો એ માત્ર કોંગ્રેસમાં જોડાશે.
હું નરેશ પટેલનું કદ મુખ્યમંત્રીને સમકક્ષ છે એવું હું માનું છું. પાટીદાર નેતાએ સ્પષ્ટતા કરી કે, નરેશ પટેલની બોડી લેંગ્વેજ એવા સંકેત આપે છે કે, તેઓ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે અંગે નરેશ પટેલનું નામ આગળ કરૂ છું. પણ દિલ્હીથી કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે કે, મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે. કોંગ્રેસ જ નરેશ પટેલને યોગ્ય સ્થાન આપી શકે છે. હાલની સમસ્યા માટે નરેશ પટેલ પાસે એક માત્ર કોંગ્રેસ વિકલ્પ છે. વિશ્વાસ સાથે કહું છું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે. નરેશ પટેલની તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાં એક મોટી ટીમ છે.

નરેશ પટેલ કોઈ માત્ર પાટીદાર વ્યક્તિ નહીં પણ 18 વર્ણમાં તેઓ માન્ય નેતા તરીકે જોવાઈ રહ્યા છે. જ્યાં સુધીના સંબંધ મારા નરેશભાઈ સાથે છે એની બોડી લેંગ્વેજ જે સંકેત કરે છે એના પરથી કહું છું કે, તેઓ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાશે. ગુજરાતમાં લોકો પીડિત છે એટલે નરેશ પટેલ રાજકારણમાં આવશે. ભાજપના શાસનમાં ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન એકમાત્ર નરેશ પટેલ છે. હું સમગ્ર વિશ્વાસ સાથે કહું છું કે, નરેશ પટેલ આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે હશે.
ભાજપમાં જો નીતિન પટેલનો વારો ન આવે તો નરેશ પટેલનો વારો ક્યાંથી આવશે. જોકે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ નરેશ પટેલે કોંગ્રેસમાં આવવું જોઈએ એવો મત વ્યક્ત કરી ચૂક્યા છે. ચૂંટણીના માહોલમાં હાલમાં દરેક પક્ષની નજર નરેશ પટેલ પણ ચોંટી છે જોવાનું એ રહે છે કે, તેઓ ક્યા પક્ષથી રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. જોકે, રાજકોટના કેટલાક ઉદ્યોગપતિઓ એવું માને છે કે, નરેશ પટેલે રાજનીતિમાં જવું ન જોઈએ. જોકે, આ અંગે ખોડલધામ સમિતીના સભ્યો જુદા જુદા વિસ્તારમાં એક સર્વેની કામગીરી કરી રહ્યા છે.


