પબ-જી ગેમનું વળગણ બાળકોમાં વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે બેંગલોરના રેલવે સ્ટેશન ઉપર મિત્ર સાથે પબ-જી ગેમ રમવા માટે બાળકે ટ્રેન અટકાવી દીધી હતી. તો બાળકે હેલ્પલાઈન નંબર 139 ઉપર ફોન કરીને રેલવે સ્ટેશન ઉપર બોમ્બ મુક્યો હોવાનું જણાવતા રેલવે સ્ટેશન ઉપર દોડધામ મચી ગઈ હતી.

બેંગ્લોરના યેલાહંકા રેલવે સ્ટેશન પર 30 માર્ચના રોજ 2 વાગ્યે હેલ્પલાઇન નંબર 139 પર એક ફોન કોલ આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે રેલવે સ્ટેશનમાં બૉમ્બ મુક્યો છે. ફોનકોલ પછી પોલીસ એક્શનમાં આવી અને આખા સ્ટેશનને ખાલી કરાવ્યું. પોલીસે ખૂણો-ખૂણો ચેક કરી લીધો પરંતુ હાથ કઈ લાગ્યું નહિ. આ સમગ્ર ઘટનાક્રમમાં લગભગ 90 મિનિટનો સમય બરબાદ થઇ ગયો. પોલીસે ફોન નંબરની તપાસ કરી તો જાણ્યું કે પાસેના જ વિનાયક નગરના એક દુકાનદારના ફોન નંબરથી કોલ કરવામાં આવ્યો હતો.

દુકાનદારે આ ફોન તેના 12 વર્ષના પુત્રને આપ્યો હતો અને આ ફોન તેના પુત્રએ જ કર્યો હતો. જ્યારે પોલીસે આ બાળકને કોલ કરવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે તે તેના મિત્ર સાથે પબ-જી ગેમ રમી રહ્યો હતો અને તે સમયે તેનો મિત્ર તેના પરિવાર સાથે યેલાહંકા રેલવે સ્ટેશન પર કાચેગુડા એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતો. ફોન કરનાર 12 વર્ષનો છોકરો ગેમમાં એટલો મગ્ન હતો કે તે જાણતો હતો કે જો ટ્રેન ચાલુ થશે તો તેના મિત્રને નેટવર્ક નહીં મળે જ્યારે તે થોડો વધુ સમય ગેમ રમવા માંગતો હતો. આવી સ્થિતિમાં તેણે ફોન કરીને ટ્રેન રોકી હતી. પોલીસે 12 વર્ષના બાળક સામે કોઈ કાર્યવાહી કરી ન હતી અને તેને ચેતવણી આપીને છોડી દીધો હતો. બોમ્બ સ્કવોડે 4.45 મિનિટે ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું જેના પછી ટ્રેનની અવરજવર શરૂ થઈ શકી હતી.

