રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે નવો નિર્ણય લીધો છે. હવે આગામી 1લી એપ્રિલથી તમામ માછીમારો માટે ઓનલાઈન ટોકન લેવા ફરજીયાત કરાયા છે. દરિયામાં જતા તમામ માછીમારોએ પોતાની બોટ દરિયામાં લઈ જવા માટે જે ઓફલાઈન પદ્ધતિનો ઉપયોગ કરતા તે પદ્ધતિ હવે બંધ કરાશે. હવેથી ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવા માટે તમામ માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા તમામ જિલ્લાઓમાં નોંધાયેલા અને કાર્યરત માછીમારી બોટોનું ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરવાની સૂચના અપાઈ છે. તા. 10ના રોજ મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગરની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં તમામ માછીમારી બોટોનું 1લી એપ્રિલથી ફક્ત ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ ટોકન આપવાની સૂચના અપાઈ છે.

દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો ઉપર તમામ માછીમારી બોટોનું ફરજિયાતપણે અને સત્વરે ઓનલાઈન ટોકન સોફ્ટવેર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ તમામ બોટોને ફક્ત ઓનલાઈન ટોકન જ ઈસ્યુ કરાશે. જે માછીમારી બોટોનું ઓનલાઈન ટોકન સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન થયુ નહીં હોય તેવી બોટો માછીમારી માટે જઈ શકશે નહીં. જો સમયસર માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન નહીં થાય તો તેની સઘળી જવાબદારી જે-તે બોટ માલિકોની રહેશે.

