ટ્રાફિક પોલીસ જ્યારે નાગરિકોને હેલ્મેટ ન પહેરવા સામે પકડે છે. એ સમયે ઘણા નાગરિકોને એ સવાલ થાય છે કે, ઘણી વાર પોલીસ કર્મચારીઓ પણ હેલ્મેટ વગરના નીકળે છે તો એની સામે કેમ પગલાં નથી લેવાતા? કાયદા પ્રજા હોય કે પોલીસ બધા માટે સમાન છે. આ સ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચલાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ કર્યો છે. આ ડ્રાઈવ તા.26 માર્ચથી તા.1 એપ્રિલ સુધી ચાલશે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશ અનુસાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની ફરજ વખતે પણ હેલ્મેટ પહેર્યા વગર નીકળે છે. જેના કારણે કાયદાનો ભંગ થાય છે. આ રીતે વાહન ચલાવવામાં આવે છે. જે નિયમાનુસાર ટ્રાફિક નિયમનો ભંગ છે. આ અંગેનો ચુસ્ત અમલ કરવા તા.26 માર્ચથી તા.1 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જે કોઈ કર્મચારી કે અધિકારી નિયમનો ભંગ કરશે એ પોલીસ પાસેથી પણ દંડ વસુલ કરી લેવામાં આવશે. આવા પોલીસ કર્મચારી કે અધિકારી સામે શિસ્ત વિરૂદ્ધના પગલાં લેવાનો માટેનો પણ રીપોર્ટ કરવાનો રહેશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર કચેરી, પોલીસ હેડક્વાર્ટર તેમજ તમામ પોલીસ અધિકારીની કચેરીમાં આવતા-જતા પોલીસ કર્મીઓ નિયમભંગ કરે છે તો એમની વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કેસ નોંધવા કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. આ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ ગોઠવવાનો કમિશનરે હુકમ કર્યો છે. આ દરમિયાન થયેલી દરેક કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત આ રીપોર્ટ તૈયાર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પોતાના સંબંધિત ઝોન DCPને મોકલવાનો રહેશે. આ કામગીરીનો અહેવાલ દર બીજા દિવસે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક પોલીસની કચેરીએ ઈ મેઈલ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જુદા જુદા જિલ્લાઓમાં અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મચારી કે અધિકારી જ ટ્રાફિકના કોઈ નિયમનું પાલન ન કરીને પ્રજાને મન ફાવે એવા દંડ ફટકારતા હોય છે. પોલીસ વિભાગને ટ્રાફિકના નિયમ અંતર્ગત શિસ્તમાં લાવવા માટે આવા પગલાં ભરાયા છે.

