અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ પહેલી જૂનથી શરૂ થવાની છે. આ વાતની જાણકારી ગુજરાત સરકારે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતા આપી હતી. રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ (VGF) યોજના હેઠળ એર સર્વિસ શરૂ થવાની છે. આ યોજના હેઠળ અન્ય પાંચ રૂટ પર પણ એર કનેક્ટિવિટી શરૂ થવાની છે.

ગુજરાત સરકારે વિધાનસભાને માહિતી આપી હતી કે, રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ (VGF) યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુરુવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની UDAN યોજના હેઠળ બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તે અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના સવાલનો જવાબ આપતા, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર ફેસ-1નું 62% કામ પૂરું થયું છે અને ફેસ-1નું તમામ કામ ઓગસ્ટ-2022માં પૂરું થવાની શક્યતા છે. રાજ્ય સરકારે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે રાજકોટમાં એરપોર્ટ ઉભુ કરવા માટે જાન્યુઆરી, 2019માં MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

