પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજે પણ આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે સરકારને દબાણ કર્યું છે. આ અંગેની મોટી માંગ ઊઠી છે. કોગ્રેસના કોળી સમાજના ધારાસભ્ય પૂંજા વંશ, વિમલ ચુડાસમા અને ઋત્વિક મકવાણાએ આ વિષયને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેસ પાછા ખેંચવા રજૂઆત કરી હતી. ગીર સોમનાથમાં તળાવ, સાણંદમાં નર્મદાનું પાણી, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટેની માંગ છે.
આ ઉપરાંત LRD આંદોલન વખતે કોળી સમાજના યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા માંગ કરવામાં આવી છે. કોળી સમાજના ધારાસભ્યો બાદ રાજકોટમાંથી કરણીસેનાએ પણ કરણી સેના પર થયેલા કેસને પાછા ખેંચવા માટેની માંગ કરી છે. આ અંગે રાજકોટ કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાએ કહ્યું હતું કે, ફિલ્મ પદ્માવતના રીલિઝ વખતે થયેલા આંદોલનના કેસ પાછા ખેંચવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે માંગ કરવામાં આવી છે. બીજી તરફ કોળી સમાજ સામે નોંધાયેલા કેસ વધારે છે. જેમાં છવીમાં પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી એ કેસ, સાણંદમાં ખેડૂતોએ રેલી કાઢી ગાંધીનગર સુધી કૂચ કરી હતી એ વખતે મામલો ગરમાતા કેસ થયા હતા. ગીર સોમનાથમાં પછવી ગામમાં તળાવ બાબતે ઘર્ષણ થયું હતું એ સમયે થયેલા પોલીસ કેસ, ગાંધીનગર રેલી પહોંચે તે પહેલાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઝપાઝપી થઈ હતી એમાં પણ કોળી સમાજના યુવાનો સામે કેસ થયા હતા. ગાંધીનગરમાં LRD આંદોલનમાં કોળી સમાજના યુવાનો ઘરણા પર બેઠા હતા એ સમયે કોળી યુવક-યુવતી સામે પોલીસે કેસ દાખલ કર્યા હતા.

જોકે, ચૂંટણી નજીક આવતા દરેક સમાજ સક્રિય થયા છે. માત્ર ગુજરાતની વાત નથી દિલ્હીમાં પણ આહિર સમાજે પોતાની અલગથી એક રેજીમેન્ટ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારને માંગ કરી છે. આ માટે છેલ્લા 48 દિવસથી જુદા જુદા રાજ્યમાંથી આવેલા આહિર સમાજના યુવાનોએ દિલ્હીમાં ધામા નાંખ્યા હતા. જેને લઈને ગુરૂવારે સવારે દિલ્હીના પ્રવેશ પોઈન્ટ ગણાતા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જોકે, આ બંને કેસમાં સરકાર તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

