કોંગ્રેસના ધારાસભ્ય અને વાવના નેતા ગેનીબેન ઠાકોરે દારૂભરીને આવી રહેલી પિકઅપ વાન પર જનતા રેડ કરી હતી. જોકે, પછી દારૂની હેરાફેરી કરતા ચાલકે અપહરણની પોલીસ ફરિયાદ કરી હતી. જે વ્યક્તિ દારૂની ઘુસણખોરી કરે છે જેની સામે પગલાં લેનારા સામે દારૂ વેચી રહ્યા હોવાના આક્ષેપ લાગે તો કેવી સ્થિતિ થાય? પોલીસ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પરિવાર પર એવા આક્ષેપ લગાવાઈ રહ્યા છે કે, તેઓ દારૂનું વેચાણ કરે છે.

જેને લઈને હવે મામલો ગરમાયો છે. ગેનીબેનની જનતા રેડનો મામલો વણસતાત થરાદ ખાતે ઠાકોર સમાજના યુવાનો મેદાને ઊતર્યા છે. ઠાકોર સમાજના કેટલાક યુવાનોએ મોટી સંખ્યામાં સરકારી ગેસ્ટ હાઉસથી એક રેલી કાઢી હતી અને નાયબ ક્લેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. જનતા રેડ બાદદ ઠાકોર સમાજના બે યુવાનો પર ખોટી રીતે ફરિયાદ દાખલ થઈ હતી.જેની તટસ્થ તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. જો સાચી અને ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તા.18 માર્ચે દારૂનો સ્ટોક લઈને આવતા વાહનને અટકાવી જનતા રેડ કરી હતી. આ કેસમાં બુટલેગરે કેસ કરનારા બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોર સામે કાયદેસરની ફરિયાદ કરતા મામલો બિચક્યો છે. જોકે, સવાલ એ થાય છે કે, પોલીસની મીઠી નજર હેઠળ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તો કેમ કોઈ કાર્યવાહી નહીં?

ગેનીબેન સાથે જનતા રેડ કરનાર સામે જ ફરિયાદ થતાં ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગેનીબેનની સાથે દિયોદર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હતા. ગેનીબેને સમગ્ર મામલે મોટા ખુલાસા કર્યા છે તથા રાજ્યની પોલીસ તથા તે વિસ્તારના SP પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ કેસમાં દારૂના મામલે ગેનિબેન લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું જે દિવસે મેં વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો એ જ રાતે દારૂ આટલી મોટી સંખ્યામાં પકડાયો. SP કોઈને ગાંઠતા નથી.

આ સવાલ આગામી સમયમાં વિધાનસભા ગૃહમાં ઉઠાવવામાં આવશે.તેઓ આ કેસમાં ઝૂકશે નહીં. આટલું જ નહીં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે એમ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જૉ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.

