અમદાવાદ મહાનગર પાલિકા કોઈને કોઈ મુદ્દાને લઈને સતત ચર્ચામાં રહે છે. શહેરી પ્રજા ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાંખે એ માટે કોર્પોરેશન તરફથી ઘરે ઘરે ડસ્ટબિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. AMC તરફથી આપવામાં આવેલી આ ડસ્ટબિન હલકીકક્ષાની હોવાનો એક મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. ઘાટલોડિયા વિસ્તારના મહિલા કોર્પોરેટર મિનાક્ષીબેન નાયકે સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી તથા સેન્ટ્રવર્ક શોપના વિજય મિસ્ત્રીને આ અંગે ફરિયાદ કરી છે.
ઘાટલોડિયા વિસ્તારમાં કોર્પોરેશન તરફથી આપવામાં આવેલા ડસ્ટબિન ઘણા લોકો પાછા મૂકી ગયા છે. જે વ્યાયામ શાળામાં પડ્યા છે. અમદાવાદ કોર્પોરેશને ત્રણ જુદી જુદી એજન્સીઓને રૂપિયા 12 કરોડના ખર્ચે આ ડસ્ટબિન તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. હવે મોટી સંખ્યામાં આ ડસ્ટબિન તૈયાર થયા છે તો શું કોઈ ચકાસણી નહીં થઈ હોય? અને હલકી ગુણવત્તાના ડસ્ટબિન મુદ્દે કોર્પોરેશન યોગ્ય તપાસ કરીને કોન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરશે? આ પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયાના સ્થાનિક નિવાસી રાજુભાઈએ કહ્યું કે સવારે ડસ્ટબિન આપવા ટીમ આવી હતી, પણ ઘણા એવા ડસ્ટબિનના ઢાંકણા તૂટેલા હતા. તો કેટલાકના ઢાંકણા જ ન હતા. એટલા માટે ઘણા લોકો આને પરત આપી આવ્યા છે. હવે ડસ્ટબિન મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આ ડસ્ટબિન ખરીદવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકો રસ્તા પર કચરો ન ફેંકે અને ગંદકી ન કરે એ માટે ઘરીદીઠ ડસ્ટબિન આપવામાં આવે છે. જેમાં ભીનો અને સુકો કચરો અલગ અલગ કરી નાંખવામાં આવે છે. આ ડસ્ટિબિનની ક્ષમતા 10 લિટરથી લઈને 100 લિટર સુધીની છે. જુદી જુદી સાઇઝના પી.ઇ. તથા અન્ય ડસ્ટબિન લેવા માટે કોર્પોરેશને ટેન્ડર મંગવ્યા હતા. બે વર્ષ માટે એજન્સીને કામ સોંપાયું હતું. કોર્પોરેશન જુદી જુદી સાઈઝના ડસ્ટબિન ખરિદવા માટે તૈયાર હતું. પણ હવે એની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.

અમદાવાદ શહેરમાં ડસ્ટબિનની ખરીદી માટે ત્રણ જુદી જુદી એજન્સી નક્કી કરાઈ હતી. જેમાં તમામ એજન્સીના અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મે.નીલકમલ, મે.ઘનશ્યામ ફેબ્રિકેટર્સ અને મે.સેન્ડસ વોટર સિસ્ટમનો સમાવેશ થાય છે. હવે હલકી કક્ષાના ડસ્ટબિન લોકોને પધરાવી દેવાતા કોર્પોરેશનની મુશ્કેલી વધી ગઈ છે. જોકે, આમાં કોઈ એજન્સીને કમાવી દીધા હોવાનો ઘાટ પણ જોવા મળે છે. જોકે, કોર્પોરેટરે આ મામલે બીજી કોઈ પ્રકારની વાત કરી નથી.

