દિવસે દિવસે વધી રહેલી મોંઘવારી મધ્યમવર્ગની કમર ભાંગી રહી છે. જીવન જરૂરી દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા દરેક પરિવારના બજેટને માઠી અસર થઈ છે. જ્યારે અનેક ગૃહિણઓનું બજેટ બધી રીતે ખોરવાયું છે. કઠોળ, દૂધ , શાકભાજી, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતુ એમ અમૂલે દૂધના ભાવમાં રૂ.2 નો વધારો કર્યો. અમૂલ દૂધે ભાવ વધારો કર્યા બાદ સ્થાનિક સ્તરે પણ ઘણા ડેરી ઉત્પાદકોએ ભાવ વધારી દીધા છે.

અમૂલ ડેરી બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં મોટો ભાવ વધારો કરી નાંખ્યો છે. એક પછી એક એમ જુદી જુદી કોમોડિટીમાં ભાવ વધારો થતા ઘર કેમ ચલાવવું એ એક પ્રશ્ન ઊભો થયો છે. દક્ષિણ ગુજરાતની ડેરી સુમુલ ડેરીએ ભાવ વધારો કરતા મોંઘવારીનું ચિત્ર વધારે વિકરાળ બની રહ્યું છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં લિટરે રૂ.2નો ભાવ વધારો કર્યો છે. સુમુલ તાજા અને સુમુલ ગાયના દૂધમાં પણ રૂ.2નો વધારો થયો છે. એટલે હવે ગાયના દૂધના ભાવ માટે રૂ.48ના બદલે રૂ.50 ચૂકવવા પડશે. જ્યારે તાજા દૂધ માટે રૂ.46ના બદલે રૂ.48 ચૂકવવા પડશે.

સુમુલના ચેરમેન માનસિંહ પટેલે કહ્યું કે, ટ્રાન્સપોર્ટ સહિત અનેક એવી વસ્તુના ભાવમાં વધારો થયો છે. અમૂલે પણ તા.1 માર્ચના રોજ દૂધના ભાવમાં વધારો કર્યો. દૂધની કોથળી પર ભાવ જે છપાયેલો હતો એ જૂની પ્રિન્ટ પડી હતી. એ પૂરી થયા બાદ આ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. અમૂલે ભાવ વધારો કર્યા બાદ વડોદરા ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધારી દીધા હતા. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલની અધ્યક્ષ સ્થાને એક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં આ ભાવ વધારો નક્કી કરાયો હતો. જ્યારે બરોડા ડેરીની છાશમાં કોઈ પ્રકારે ભાવ વધારો કરાયો નથી. પણ અમૂલે છાશ અને દહીં બંનેમાં ભાવ વધારો કરી દીધો છે.

આ ભાવ વધારા બાદ એ વાત તો નક્કી છે કે, હવે મીઠાઈના ભાવમાં સીધો ભાવ વધારો જોવા મળશે. આ ઉપરાંત ઉનાળો શરૂ થયો છે ત્યારે આગામી સમયમાં આઈસક્રિમના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. એટલે સર્વત્ર જે જરૂરી વસ્તુઓ છે એના થયેલા ભાવ વધારાને કારણે દરેક પરિવારનું બજેટ ખોરવાયું છે. એવામાં જો હજું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે ફરી મધ્યમવર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ કથળશે. તાજેતરમાં જ ગેસના ભાવમાં વધારો થયો હતો. શાકભાજી પણ મોંઘું છે. એવામાં આવી રીતે દૂધના ભાવ વધવા દરેક સાપેક્ષ કોમોડિટીને અસર કરશે.

