સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે વિસાવદર યાર્ડમાં 13 દિવસ બાદ પણ ચણાની ખરીદી શરૂ નહીં કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખરીદી શરૂ નહીં થવા પાછળ યાર્ડમાં ભાજપના આંતરિક વિખવાદ હોવાનું કોંગી ધારાસભ્ય જણાવી રહ્યાં છે. તો બે દિવસમાં યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જૂનાગઢ જિલ્લામાં પણ વિસાવદર સિવાય મોટાભાગના ખરીદ કેન્દ્રો ઉપર ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચુકી છે પરંતુ વિસાવદરમાં જ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ન થઇ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જે અંગે ખેડૂત મનસુખભાઇ રીબડીયા અને મુકેશભાઇ પટેલે જણાવેલ કે, આ વર્ષે ચણાનો સરકારી ટેકાનો ભાવ સારો મળી રહ્યો છે. એવા સમયે વિસાવદર માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે જગ્યા આપવાનો ઇન્કાર કરી દીધો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં ભાજપનું શાસન છે અને જે મંડળી ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે પણ ભાજપ પ્રેરિત મંડળી છે. ત્યારે ભાજપના આંતરિક જૂથવાદના કારણે યાર્ડમાં 14 દિવસ બાદ પણ ચણાની સરકારી ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ નથી. તો આ ખરીદી અને ખેડૂતોની મુશ્કેલી અંગે યાર્ડના સતાઘીશો કોઇ ઘ્યાન આપતુ ન હોવાથી ટેકાનો ભાવ સારો એવો મળતો હોવા છતાં ખેડૂતો ખુલ્લા બજારમાં રપિયા 800થી 850ના ભાવે પોતાનો ચણાનો માલ વેચવા મજબૂર બન્યા છે. જો બે દિવસમાં યાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થાય તો નાછુટકે જગતના તાતે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

આ મામલે વિસાવદરના કોંગી ઘારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ પણ મેદાનમાં આવી સતાઘારી ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઇના કારણે વિસાવદર યાર્ડમાં સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઇ ન હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે. વિસાવદર તાલુકામાં 6 હજારથી પણ વધારે ખેડુતોએ ટેકાના ભાવે સરકારને ચણા વેંચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ ખેડુતોને પૈસાની જરૂરીયાત હોય છે એવા સમયે ભાજપના સતાઘીશોની આંતરિક લડાઇમાં ખેડૂતો પીસાય રહ્યા હોવાથી મજબૂરીવશ પોતાનો ચણાનો માલ સસ્તા ભાવે વેંચાણ કરવો પડી રહ્યો છે. આ મામલે મેં કલેકટરને પત્ર લખી બે દિવસમાં તાત્કાલિક ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગણી કરી છે. જે નહીં સંતોષાય તો બે દિવસ બાદ ખેડૂતોને સાથે રાખી જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

