ગુજરાત વિધાસભાની ચૂંટણી શરૂ થાય એ પહેલા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. ચૂંટણી નજીક આવતા જ સૌ કોઈ આગેવાનો સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના નિવેદન બાદ રાજકીય લોબીમાં ભારે હલચલ જોવા મળી રહી છે. હાર્દિક પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નરેશ પટેલના નેતૃત્વમાં અમે લડવા બેઠા છીએ. ખોડલધામ ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખઉલ્લો પત્ર લખી આમંત્રણ આપ્યું હતું. આ મામલે હવે ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે.
તેમણે એવું કહ્યું કે, કોને ક્યાં જોડાવું અને ક્યાં ન જોડાવું એ જે તે વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. ચૂંટણી નજીક આવે ત્યારે જ હાર્દિક પટેલને યુવાનો દેખાય છે? હવે યુવાનોને ભેગા કરવા અને આંદોલન કરવા અંગેની વાતો કરે છે. કોંગ્રેસમાં આંતરિખ ડખા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં અને બહાર કોંગ્રેસના ચહેરા જુદા જુદા છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે. સારા વ્યક્તિઓએ રાજનીતિમાં આવવું જોઈએ. નરેશભાઈને નેતૃત્વમાં રાજકારણમાં કામ કરવા માટે તૈયાર છીએ. પાર્ટી કહેશે તો એ મુખ્યમંત્રીને ચહેરો હશે. અત્યારે ભાજપ સમાજને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે. નરેશ પટેલ રાજકારણમાં આવશે તો અવશ્ય સ્વીકારીશું. સમાજ સહિત અમે બધા એમને આવકારીશું. જોકે, નરેશ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, આ મામલે હાર્દિક સાથે વાત કરવાની બાકી છે. ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહીં બને. રાજકારણમાં આવવું એ મારો અંગત નિર્ણય રહેશે. જ્યારે પણ રાજકારણમાં આવવાનું થશે ત્યારે નિર્ણય જાહેર કરીશ.


