રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દુનિયા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. દરરોજ માઠા વાવડ આવી રહ્યા છે. લોકો મોતને ભેટી રહ્યા છે, યુક્રેનવાસીઓને તેમનું શહેર, ઘર છોડવાની ફરજ પડી છે. આ દરમિયાન ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં હુમલાઓ જોવા મળી રહ્યા છે. ક્યાંક હેલિકોપ્ટરને ઉડાવી દેવામાં આવી રહ્યું છે તો ક્યાંક પત્રકારો ગોળીઓ વચ્ચે ફસાયેલા જોવા મળી રહ્યા છે. તમામ દ્રશ્યો તબાહીના છે. આવી સ્થિતિમાં એક બાળકીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાળકીએ આશાનું ગીત ગાયું છે જેને દુનિયા ખૂબ પસંદ કરી રહી છે અને ભાવુક થઈ રહી છે.
Little girl singing "Let it go" in a shelter#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack pic.twitter.com/6gfcUoiwJJ
— Ankita Jain (@Ankita20200) March 6, 2022
આ છોકરીએ પ્રખ્યાત ગીત ‘Let It Go’ ગીત ગાયું છે. આ એનિમેટેડ ફિલ્મ ફ્રોઝનનું ગીત છે. આ વીડિયોમાં બાળકી અને તેનો પરિવાર બોંબ ધડાકામાં પોતાનો જીવ બચાવવા માટે શેલ્ટરમાં છુપાયેલા જોવા મળે છે. તેની આસપાસ અન્ય લોકો પણ હાજર છે. આ યુવતીનું નામ એમેલિયા હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. આ પહેલા તેનો વીડિયો માર્ટા સ્મેખોવાએ તેના ફેસબુક પર શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે બાળકીની માતાની પરવાનગીથી આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો બંકરમાં બેઠા છે. બાળકોના રડવાનો અવાજ સંભળાય છે, પરંતુ આ માસૂમ બાળકી પોતાનું ગીત ગાય છે કે તરત જ બાળકોના રડવાનો અવાજ પણ શાંત થઈ જાય છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો. જ્યારે લોકોએ પૂછ્યું કે આ વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે અને શું આપણે તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ? તો યુઝર્સે કોમેન્ટ કરી અને કહ્યું કે આ તમામ લોકો વિશે માહિતી આપવાથી તેઓ જોખમમાં મુકાઈ શકે છે.

જોકે, આ વીડિયો બીજા સોશિયલ મીડિયા ઉપર પણ જોરશોરથી શેર થઈ રહ્યો છે. યુદ્ધ જેવી સ્થિતિમાં બાળકીના આ એક વીડિયોથી અનેક લોકોમાં એક પોઝિટિવ એનર્જી જાગી છે. સૌને એક આશા ઊભી થઈ છે. ખાસ કરીને તણાવભરી સ્થિતિમાં જ્યાં બાળકો મુંઝયા હતા. એવામાં બાળકીના વીડિયો અન્ય સ્થાનિકોને પણ સારી એવી હિંમત આપી દીધી છે.

