વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં દરેક રાજકીય પક્ષ મજબુત થવા માગે છે. ખાસ કરીને ભાજપ સૌરાષ્ટ્ર કચ્છમાં ગ્રાઉન્ડ લેવલે સક્રિય થઈ રહ્યું છે. કોંગ્રેસની દ્વારકામાંથી શરૂ થયેલી ચિંતન શિબિર બાદ ભાજપમાં બેઠક ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય લઈને ચાલતા ભાજપાના અધ્યક્ષ સી.આર પાટીલ એક તબક્કે આકરા મિજાજમાં જોવા મળ્યા હતા.
વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે પેજ કમિટિનું કામ પૂરૂ ના થતા આગેવાનો અને કાર્યકર્તાઓની કામગીરી પર સવાલ કર્યા હતા. અધ્યક્ષ પાટીલે જણાવ્યું કે, પેજ કમિટીનું કામ રાજકોટમાં 100 % નથી થયું. આ વાત પ્રદેશ અધ્યક્ષને ખટકી રહી છે. લાખો કાર્યકર્તા અહીં છે છતાં પેજ કમિટી કેમ ન બની? એવો આકરો સવાલ ઊઠાવ્યો છે. રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીના વિસ્તારમાં જ ભાજપની કોઈ પેજ કમિટી બની નથી? ચૂંટણીમાં ટિકિટ પ્રેમીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ટિકિટ જોઇએ છે, મંત્રી બનવું છે પણ પેજ કમિટી બનાવવી નથી. પાટીલે આકરા મિજાજમાં કહ્યું હતું કે, આ બધું મને પસંદ નથી. મને કાલે આંકડા આપો. પાટીલના આકરા વલણથી રાજકોટમાં શહેર ભાજપ લોબીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને કાર્યકર્તાઓની ક્લાસ લેતા કામગીરી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે, ચૂંટણી પહેલા આકરો મિજાજ જોવા મળતા ભાજપમાં અંદર ખાને રહેલો ઉકળાટ સપાટી પર આવી રહ્યો છે. રાજકોટમાં આવેલા પ્રદેશ પ્રમુખે મોહન કુંડારિયાને પણ ટોકરી કરી હતી. કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા મુદ્દે તેઓ ગ્રાન્ટ ફાળવે અને કામગીરી કરે. આ ઉપરાંત યુક્રેનમાં અટવાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ મુલાકાત કરી હતી. રાજકોટ જિલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ બેલારૂસમાં અટવાયા છે.

પાટીલે આ તમામ વાલીગણ સાથે પણ મુલાકાત યોજી હતી. આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે અપીલ કરી હતી. એ સમયે પ્રદેશ પ્રમુખ પાટીલ બોલ્યા હતા કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે દેશના ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પણ આમાં છે. વડાપ્રધાન મોદી ગુજરાત રાજ્ય સહિત જુદા જુદા રાજ્યના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ચિંતા કરી રહ્યા છે. આ માટે ઑપરેશન ગંગા અંતર્ગત કેન્દ્ર સરકારના ચાર સિનિયર કક્ષાના મંત્રીઓને આસપાસના દેશમાં મોકલી વિદ્યાર્થીઓને લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. રાજકોટમાં રહેલા વાલીઓ જેના સંતાન યુક્રેનમાં અટવાયા છે તેમને પાછા લાવવા પાટીલને પણ રજૂઆત કરાઈ છે. કારણ કે, હાલ ત્યાં રહેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. પાટીલે ઉમેર્યું કે સમગ્ર ઑપરેશન પર વડાપ્રધાન મોદી પોતે નજર રાખી રહ્યા છે. વાલીઓઓ ચિંતા ન કરે ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લઈ આવવામાં આવશે. હજુ પણ અટવાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે પ્રયાસ કરીશું

