રાજકોટમાં ક્યુઆર કોડ મારફતે પૈસા ઉપાડી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્મીમેનની કેન્ટીનમાં ચા-પત્તિની જરૂરીયાત હોવાનું કહીને રાજકોટનના ચાના વેપારી સાથે ઓનલાઈન ક્યુઆર કોડ મારફતે રૂપિયા 20 હજાર ઉપાડી લઈ છેતરપીંડી કરનાર ઝારખંડના શખસને પોલીસે ઝડપી લીધો છે.

રાજકોટમાં ચાના વેપારી સાથે ટેલિફોનિક સંપર્ક કરી આર્મી કેન્ટીનમાં ચા-પત્તિની જરૂરીયાત હોવાનું કહીને ઝારખંડનો શહાદત અન્સારી ઈમ્તિયાજ અન્સારીએ ઓનલાઈન પેમેન્ટ આપવાનું કહી માલ મંગાવવાની લાલચ આપી હતી. વેપારી પાસે ક્યુઆર કોડ મારફતે પૈસા જમા કરવાની જગ્યાએ બેન્ક ખાતામાંથી રૂપિયા 20 હજાર ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી. જે બાદ ભોગ બનનાર વેપારીએ રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ સાઈબર ક્રાઈમ પીઆઈ એમ.સી. વાળા અને જે.આર. દેસાઈની ટીમે ટેકનિકલ સોર્સની મદદથી ઝારખંડના આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

