રાજકોટના ભીંચરી ગામમાં કરોડોની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પોલિસ કમિશનર કચેરીમાં પીડીતે ફિનાઈલ પી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર પોલીસ કર્મીઓએ તેના હાથમાંથી ફિનાઈલની બોટલ આંચકી લીધી હતી. યુવાને વિવાદીત બિલ્ડર કમલેશ રામાણી સહિત પાંચ શખસો જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

રાજકોટના ભીંચરી ગામમાં છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાની કિંમતી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે થોડા દિવસ પહેલા પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જેમાં ફરિયાદી વિજય સોલંકીનું કહેવું છે કે, જમીન વર્ષોથી વડીલોપાર્જીત હોવા છતા ખાલી કરવા દબાણ કરાઈ રહ્યું છે. ક્રાઈમબ્રાંચના તત્કાલીન પીએસઆઈ સાખરા સહિતના પોલીસ અધિકારીઓ સામે પણ આરોપ લગાવ્યો હતો. તેમજ આ જમીનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ પણ ચાલી રહ્યો છે. તેમજ છતા વિવાદીત બિલ્ડર કમલેશ રામાણી સહિત પાંચ શખસો જમીન ખાલી કરાવવા માટે દબાણો કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીડીતે આજે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલની બોટલ સાથે લાવ્યો હતો અઅને ફિનાઈલ પીવા માટે બોટલનું ઢાંકણું ખોલીને પીવે તે પહેલા જ હાજર પોલીસ કર્મચારીઓએ તેમના હાથમાંથી બોટલ આંચકી લેવા માટે મથામણ કરતા પોલીસ અને પીડીત વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે બાદમાં પોલીસે બોટલ આંચકી લીધી હતી અને પીડીત વિજય સોલંકીની અટકાયત કરી હતી. પીડીતે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં વિવાદીત બિલ્ડર કમલેશ રામાણી, અનિલ ખુંટ, હિતેષ પ્રેમજી સેલિયા, પરેશ પટેલ અને ઈરો ભરવાડના નામ આવ્યાં છે.

