માર્ચ મહિનો નજીક આવતાની સાથે વિવિધ સરકારી કચેરી હિસાબી વર્ષ દરમિયાન પોતાના હિસાબ ચોખ્ખા ચણક રાખવા ઊંધા માથે હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે ખાસ કરીને પાલિકા કે મહાપાલિકા કચેરી માર્ચ મહિના પહેલા પોતાની બેલેન્સ સીટ નિટ એન્ડ ક્લીન રજૂ કરવા જુના ઉઘરાણા વુસલાત તેજ કરતી હોય છે.આ બાબતમાં મોરબી પાલિકા પણ પાછી રહે તેમ કેમ ચાલે મોરબી પાલિકા દ્વારા પણ 31 માર્ચના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં પાલિકાની વેરાની આવક ઝડપથી વસુલ કરવાની ગતિ વધારી દીધી છે અને મિલકત વેરા ન ભરતા મિલકત ધારકોને નોટીસ આપવાની કામગીરી તેજ કરી દીધી છે. પાલિકા દ્વારા આજ દિન સુધીમાં 1000થી વધુ મિલકત ધારકોને તેના બાકી વેરાની 31 માર્ચ પહેલા ભરપાઇ કરવા નોટિસ ફટકારી છે. હવે આ નોટિસ બાદ કેટલા મિલકત ધારકો તેનો વેરો ભરપાઈ કરશે તે 31 માર્ચ બાદ જ ખ્યાલ આવશે.
9 મહિના સુધી વેરાની ઉઘરાણીમાં સુસ્તી દાખવનાર પાલિકાએ હવે માર્ચ મહિનો નજીક આવતાની સાથે વેરાની
ઉઘરાણી તેજ કરી દીધી છે.મોરબી પાલિકામાં નોધાયેલ મિલકતની ગણતરી કરતા પાલિકાને રૂ 28 કરોડ જેટલો હાઉસ ટેક્સ તેમજ પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવાનો થતો હતો જોકે 31 ડીસેમ્બરની સ્થિતિએ માત્ર રૂ 7 કરોડ જેટલી જ ઉઘરાણી થતા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા વેરા ઉઘરાણી તેજ કરી હતી અને સમયસર મિલ્કત વેરો ન ભરનાર આસામીઓને નોટીસ આપવાની કામગીરી હાથ ધરી હતી. અને અલગ અલગ વિભાગના પાલિકા કર્મીઓની 11 ટીમ બનાવી નોટીસ આપવામાં આવી હતી.
મોરબી પાલિકા વિસ્તારમાં 31 જાન્યુઆરી સુધીમાં 1000થી વધુ આસામીઓને લેખિત નોટીસ આપી 31 માર્ચ પહેલા તેમનો બાકી રહેતો મિલકત વેરો ભરપાઈ કરવા જાણ કરવામાં આવી હતી. 1000થી વધુ આસામીઓમાં 20થી વધુ આસામીઓએ એવા પણ હતા જેમના રૂ 1 લાખ કરતા પણ વધુ રકમ બાકી હોવા છતાં વેરો ભરપાઈ કરવામાં આળસ કરી રહ્યા હતા
પાલિકાની વેરા ઉઘરાણીની આક્રમકતાને પગલે વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો અને અગાઉ કરતા દૈનિક 20થી 30 ટકા વધુ મિલકત ધારકો વેરો ભરપાઈ કરી રહ્યા છે.

