ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જેમાં આગામી 20 માર્ચના રોજ હેડક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા અગાઉ પેપરલીક થવાના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ જાહેર થતા ઉમેદવારો તૈયારીમાં લાગી ગયા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષાની જાહેરાત ગત 20મી જાન્યુઆરી, 2021માં કરાઈ હતી. પરીક્ષાની જાહેરાત થતાની સાથે જ ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી આરંભી દીધી હતી. 9 ડિસેમ્બર, 2021ના રોજ હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા માટે ઉમેદવારો બેઠા હતાં. ત્યારબાદ આ પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપો ઉઠતાની સાથે જ ઉમેદવારોના સપના ઉપર પાણી ફરી વળ્યું હતું. આ અંગે સરકારમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રજૂઆત કરાઈ હતી અને પરિણામે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો હતો.

હેડ ક્લાર્કની 186 જગ્યા ઉપર પરીક્ષાનું પેપર લીક કાંડ બાદ ગૃહ રાજ્યમંત્રીએ આ સમગ્ર પ્રકરણની તપાસ પોતાના નેજા હેઠળ લીધી હતી. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષાની ભરતી રદ્દ થવાની જાહેરાત પણ તેણે કરી હતી. ત્યારે આજે આગામી 20મી માર્ચના રોજ રદ્દ થયેલી હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા લેવાની જાહેરાત થતાની સાથે જ ઉમેદવારોમાં પણ ખુશી જોવા મળી છે.

