ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની ધરપકડ બાદ પૂછપરછનો ધમધમાટ શરૂ થયો હતો. અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું પોલીસ પૂછપરછમાં સામે આવતા વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
તે નાસતો ફરતો હતો. પરંતુ બુધવારે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપ્યો છે.

આરોપી રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. IPC 307ના ગુનામાં ભાવનગરમાંથી તે બે વખત પકડાય ચૂક્યો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના ગુનામાં રાજકોટ આજીડેમ પોલીસે પણ એની ધરપકડ કરી હતી. NDPSના કેસમાં સપ્લાયર તરીકે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી. આમ તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રાજકોટથી કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર સપ્લાય થયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસના તાર લંબાયા હતા. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સે આ અંગે લેતીદેતી કરી હતી. પછી તેણે અમદાવાદના મૌલાના સુધી હથિયાર પહોંચાડ્યું હતું. આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી. પરંતુ અજીમ ફરાર થયો હોવાથી અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે હાથ લાગ્યો હતો. દિલ્હીની મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં આ પાકિસ્તાની સંસ્થા ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ તે ચલાવે છે

પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે અમર ગનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તે ગઝવે હિંદ નામનો ભારતવિરોધી પાકિસ્તાની એજન્ડા લઈને કામ કરી રહ્યો હતો અને ઈન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવાઈ રહ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું તથા ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમર ગની ઉસ્માનીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ તેની પૂછપરછ કરશે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

