અમદાવાદ કોર્પોરેશન તરફથી પ્રોપર્ટી ટેક્સમાં તા.1 જાન્યુઆરીથી 31 માર્ચ 2022 સુધી એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કિમ અમલમાં મૂકવામાં આવી છે. તા.31 જાન્યુઆરીએ એક જ દિવસમાં રૂ.14.14 કરોડનો ટેક્સ અમદાવાદની પ્રજાએ ભર્યો છે. જાન્યુઆરી 2022થી એક મહિનામાં રૂ.74.86 કરોડની કોર્પોરેશનને આવક થઈ છે. મંગળવારથી રૂ.1 લાખથી વધારેની રકમનો ટેક્સ ન ભરનારા લોકોની મિલકત સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવશે. આ માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે.
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિલ વકીલે કહ્યું હતું કે, ચાલું નાણાકીય વર્ષ દરમિયાન જાન્યુઆરી 2022 સુધીમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. 841 કરોડની આવક થઈ છે. રૂ.159 કરોડની પ્રોફેશનલ ટેક્સ પેટે આવક ઊભી થઈ છે. કોર્પોરેશન તરફથી રૂ.1 લાખથી વધારે રકમનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવા માલિકોને નોટિસ આપવા તથા સીલ કરવાની ઝુંબેશ શરૂ કરાશે. આ માટે એક ટીમ કામ કરશે. નાગરિકો-માલિકોએ આવા કડક પગલાંથી બચવા અપીલ કરવામાં આવી છે. જે ટેક્સ બાકી છે એ ભરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રીબેટ સ્કિમનો લાભ આપવાની સાથે આવનારા બેથી ત્રણ દિવસમાં પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસુલ કરવા માટે નોટિસ આપવામાં આવશે. ચાલું નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ.1107.45 કરોડની આવક ઊભી થઈ છે. જેમાં રૂ.841.61 કરોડનો પ્રોપર્ટી ટેક્સ, રૂ.159.64 કરોડના પ્રોફેશનલ ટેક્સ તથા રૂ.106.20 કરોડના વ્હીકલ ટેક્સની આવક ઊભી થઈ છે. જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા અંતર્ગત મિલકત વેરાની બાકીની રકમ આ રિબેટ સ્કિમ હેઠળ નાગરિકો જેટલી વહેલી રકમ ચૂકવશે એ પ્રમાણે એમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. ત્રણ મહિના માટેની રિબેટ સ્કિમ કોર્પોરેશને જાહેર કરી છે. જે અંગે લોકોને જાગૃત કરવા અગાઉ પણ જાહેરાત આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવીને પણ જુદા જુદા વિસ્તારમાં રીક્ષાઓ મારફતે આ સ્કિમની જાગૃતિ હેતું પગલાં લેવામાં આવ્યા છે. બીજી બાજું કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ અંતર્ગત હાથ ધરાતાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર વગેરે પ્રોજેક્ટના કામમાં વિવિધ કારણોસર વિલંબ થતો હોવાથી વ્યવહારૂ અભિગમ અપનાવી જુદા જુદા પ્રોજેક્ટ માટે મુદ્દતમાં વધારો કરવા માટે કોર્પોરેશન તરફથી બિલની ઝડપથી ચૂકવણી કરવા, બિલ ઓફ ડિસ્કાઉન્ટ સિસ્ટમ ફરી શરૂ કરવા તથા કોર્પોરેશન ઈજનેર વિભાગ તરફથી તૈયાર કરાતા અંદાજ એસ્ટિમેટ વધુ વાસ્તવિક બનાવવા માટે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો. તરફથી પણ લેખિત રજૂઆત કરાઈ છે.

