પ્રિયંકા ચોપરાએ ન માત્ર બોલિવૂડ ફિલ્મોમાં પણ હોલિવૂડની ફિલ્મોમાં પણ ડંકો વગાડ્યો છે. એક્ટિંગની ટેલેન્ટ પર પ્રિયંકાએ ઘણા મોટા ફિલ્મ ડાયરેક્ટર સાથે કામ કર્યું છે. વર્ષ 2018માં પ્રિયંકાના લગ્ન અમેરિકાના ગાયક નિક જોનસ સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ હવે તે મમ્મી બની ગઈ છે. સેરોગસી પદ્ધતિથી તે માતા બની છે. આ વાતની જાણકારી તેમણે ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બાળકનો જન્મ સેરોગેસીથી થયો છે.
વર્ષ 2000માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. બોલિવૂડની દેશીગર્લ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું હતુ કે, અમને જણાવતા ખુશી થાય છે કે, સરોગસી પદ્ધતિની મદદથી અમે એક બાળકનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ. સન્માન સાથે કહેવા માગીએ છીએ કે, આ વિશેષ સમયમાં અમારી પ્રાયવેસીનો ખ્યાલ રાખવામાં આવે. હાલ અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએ. વર્ષ 2018માં પ્રિયંકાએ રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં રોયલ વેડિંગ કર્યા હતા. એ પછી મોટાભાગનો સમય તે અમેરિકામાં વીતાવે છે. પતિ સાથે રહે છે. બોલિવૂડમાં સૌથી વધારે ફી લેતી અભિનેત્રીઓમાં પ્રિયંકાનો સમાવેશ થાય છે. શાનદાર એક્ટિંગ અને સ્ટાઈલથી તે ઘણા એવોર્ડ પણ મેળવી ચૂકી છે.જેમાં બે રાષ્ટ્રીય પુરસ્કાર અને પાંચ ફિલ્મફેર એવોર્ડનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2016માં ભારત સરકારે પ્રિયંકાને પદ્મશ્રી સન્માન આપ્યું હતું. આ ઉપરાંત ટાઈમ મેગેઝિને દુનિયાની 100 પ્રભાવશાળી મહિલાઓમાં પણ પ્રિયંકાને સ્થાન આપ્યું હતું.

ફોર્બ્સ મેગેઝિને પણ દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં પ્રિયંકાને સ્થાન આપ્યું હતું. વર્ષ 2000માં મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકા ચોપડાએ તમિલ ફિલ્મ થમિજનથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. એ પછી ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાયથી બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતુ. વર્ષ 2003માં પ્રિયંકાની ફિલ્મ અંદાજ સુપરહિત રહી હતી. એ પછી વર્ષ 2003માં ફિલ્મ મજસે શાદી કરોગી, વર્ષ 2004માં એતરાઝમાં દમદાર એક્ટિંગ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. એ પછી વર્ષ 2006માં ડોન, વર્ષ 2008માં ફેશન જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ફેશન ફિલ્મ માટે પ્રિયંકાને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. બોલિવૂડમાં ડંકો વગાડ્યા બાદ હોલિવૂડની ફિલ્મોમાં પણ તેણે સારૂ કામ કર્યું અને નામ કમાયું છે. ખાસ કરીને વર્ષ 2021માં ધ વ્હાઈટ ટાઈગર અને સાયન્સ ફિક્શન ધ મેટ્રિક્સ રિસરેક્શનન્સ માટે ઘણી પ્રશંસા મળી હતી. પર્યાવરણ અને મહિલાઓના અધિકાર જેવા સામાજિક મુદ્દાઓ માટે પણ કામ કર્યું છે. વર્ષ 2006માં યુનિસેફ સાથે કામ કર્યું છે. વર્ષ 2010 અને 2016માં બાળ અધિકારો માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક યુનિસેફ સદભાવના કાર્યકર્તા તરીકે એની નિયુક્તી કરી હતી.

