સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામે ધૂમે કરવામાં આવી હતી. તો બીજી તરફ પતંગની દોર અનેક પક્ષીઓ અને બાળકો તેમજ લોકો માટે પણ જીવનની અંતિમ દોર બની ગઈ છે. રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં તથા પાટણમાંએખ તરૂણ અને એક બાળકનું મોત નીપજ્યું હતું. તો નવાગઢમાં ચાઈનીઝદોરી ગળામાં લાગવાથી યુવાનને ઈજા પહોંચી છે.

રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં વિસ્તારમાં એક 15 વર્ષનો તરૂણ પતંગ લૂંટી રહ્યો હતો. પતંગ લૂંટવામાં મસગુલ હતો ત્યારે અચાનક એ ટ્રેનના પાટા ઉપર પહોંચી ગયો હતો. જ્યાં ધસમસતી આવતી ટ્રેને તેને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચનામાની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યારે અન્ય એક બનાવમાં નવાગઢ ગામે બાઈક ઉપર જતા યુવાનના ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગવાથી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત શહેરમાં પતંગ ચગાવતા સમયે ધાબા ઉપરથી તથા વાહનમાંથી પડી જતા ચાર લોકોને ઈજા પહોંચી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જ્યારે પાટણ શહેરમાં પતંગ લૂંટવા ગયેલા 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળક ઈલેકટ્રીક ડીપી ઉપર લટકી પતંગ લૂંટવા ગયો ત્યારે તેનું વીજકરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

