અમદાવાદ કોર્પોરેશનમાંથી ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી છે. આમ તો સુશાસન સપ્તાહ અંતર્ગત નેતાઓ પારદર્શન વહીવટના દાવા કરે છે. ‘વહીવટ’ કરવાના પગલાં સામે આર્થિક વહીવટ થયા હોવાના અનેક એવા કિસ્સા છે. અધિકારીઓ અને સત્તાધારી પક્ષના લોકોના વાટકી વ્યવહારથી ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે. કોર્પોરેશનમાં કામ કરાવવા માટે પ્રસાદી આપવી પડે એવા કેટલાય કિસ્સા અગાઉ પણ બનેલા છે. પણ હવે આ અંગેની એક ઓડિયો ક્લિપ સામે આવી છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે કોર્પોરેશનમાં અધિકારીઓ પ્રસાદી લઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની પોલ ખોલી નાંખી છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા યુવકનું ટેક્સ વિભાગમાં વારસાઈમાં નામ બદલવા માટે વૉર્ડ ઈન્સ્પેક્ટર પરિમલ શિયાણીને વહીવટ આપવો પડશે એવી વાત કરતો એક ઓડિયો સામે આવ્યો છે. આ વાયરલ થયેલી ક્લિપ ઉચ્ચ અધિકારી અને રેવન્યુ કમિટી ચેરમન જૈનિલ વકીલ સુધી પહોંચી જતા ખળભળાટ મચી ગયો છે. પછી એની વહીવટી વિભાગમાં બદલી કરીને શૉ કોઝ નોટિસ ફટકારી છે. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે આ વિષય પર એવી સ્પષ્ટતા કરી છે કે, આ એક ગંભીર તથા સંવેદનશીલ ઘટના છે. જે તે ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. ત્રણ જ દિવસમાં આ અંગે ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી છે. દર વખતે કમિટીમાં આવી ઘટનાઓ ન બને એ માટે સૂચના આપવામાં આવે છે. હવે આવી કોઈ ઘટના બનશે તો ચોક્કસથી કડક પગલાં ભરાશે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા કમિશનર તરીકે લોચન સહેરાએ ચાર્જ સંભાળી લીધો છે. એવામાં ટેક્સ વિભાગના કર્મચારીનો લાંચ માગતો ઓડિયો સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આ યુવાને સપ્ટેમ્બર મહિનામાં આ વારસાઈમાં નામ બદલવા માટે એક અરજી કરી હતી. જે માટે અધિકારીઓએ ધક્કા ખવડાવ્યા હતા. બે દિવસ પછી આવજો અને તેઓના કાગળિયા તૈયાર છે એવો કોલ આવ્યો હતો.

ફરિયાદીઃ સવારે મેળ નહીં આવે સાંજના ચાર પછી આવું
વૉર્ડ ઈન્સ્પેક્ટરઃ વાંધો નહીં ચાર વાગ્યા પછી આવજો
ફરિયાદીઃ કેટલા પૈસા લઈને આવું?
વૉર્ડ ઈન્સ્પેક્ટરઃ કઈ વારસાઈ હતી?
ફરિયાદીઃ વારસાઈમાં જો મેં બધુ આપેલું છે પેઢનું નામ પણ આપેલું છે….
વૉર્ડ ઈન્સ્પેક્ટરઃ પણ વારસાઈ જ છે ને?
ફરિયાદીઃ ના ટેક્સનું હા, વારસાઈમાં જ આવશે. કારણ કે મારે છે ને હમણા દવાખાનાના બિલ છે. પહોંચી શકાય એમ નથી. 5થી 7 લાખના બિલ આવ્યા છે હજુ ત્રણ લાખ બાકી છે. તમે કહો છો પણ મને આમા કંઈ ખબર ન હોય. લઈને પણ આવ્યો હતો એ ભાઈ વાતચીત કરવાના હતા. તમે બહાર નીકળી ગયા એટલે કહ્યું પછી લઉં.
વૉર્ડ ઈન્સ્પેક્ટરઃ કંઈ નહીં ખાલી એમનેમ આવજો તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે.
ફરિયાદીઃ ના તમે કહો. એ ભાઈ બોડકદેવ ઓફિસમાં જ આવે છે. તો પછી હું ના આવું તો એ ભાઈને મોકલી દઉ.
વૉર્ડ ઈન્સ્પેક્ટરઃ વારસાઈના રૂ,1000 થાય છે તમારે જે આપવા હોય એ
ફરિયાદીઃ ઓકે

