રાજકોટમાં થોડા દિવસ પહેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ મળી આવ્યો હતો. ત્યારે આજે વધુ એક 21 વર્ષની યુવતી ઓમિક્રોન પોઝિટીવ આવ્યો હતો. તો બીજી તરફ શાળામાંથી ઉત્તરાખંડના પ્રવાસમાં ગયેલી છાત્રા સહિત સાતને કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા આરકે કોલેજના વિદ્યાર્થીને ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ શહેરમાં મહામારીનું જોખમ ઉભું થયું છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ડામવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ત્યારે આજે રાજકોટમાં યુકેથી આવેલી 21 વર્ષની યુવતીનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં સારવાર માટે ખસેડી હતી.

તો બીજી તરફ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આજે રાજકોટમાં શાળામાં ભણતી છાત્રા સહિત 7ના કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જામનગર રોડ ઉપર આવલી ખાનગી શાળામાં અભ્યાસ કરતી છાત્રા શાળાના અન્ય 40 વિદ્યાર્થીઓ સાથે શાળાના પ્રવાસમાં ઉત્તરાખંડ ગઈ હતી. ત્યાંથી તે પરત ફરતા તેના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં છાત્રાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. વિદ્યાર્થીની પ્રવાસમાંથી પરત આવ્યા બાદ સ્કુલે ગઈ નથી. પરંતુ તેમની સાથે પ્રવાસમાં રહેલા 40 વિદ્યાર્થીઓ હતા તેમના ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. તો આ ઉપરાંત છાત્રાના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.

તો શ્રોફ રોડ ઉપર રહેતો અને તાજેતરમાં ગોવાથી આવેલા 24 વર્ષના યુવાન, વોકહાર્ટ હોસ્પિટલની સામે રહેતા 41 વર્ષના પુરૂષ, સોમનાથ સોસાયટીમાં રહેતા 25 વર્ષના યુવાન, અમીનમાર્ગ ઉપર રહેતા 56 વર્ષના પ્રૌઢ તથા મવડી પ્લોટની સરદાર સોસાયટીમાં રહેતા 45 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

