અમદાવાદ,ગુરુવાર
હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી બુધવારે આમરણાંત ઉપવાસ પર કલેક્ટર ઓફિસ ખાતે બેસવાના હતા. પરંતુ પોલીસે અટકાયત કરી હતી. જે બાદ મોડી રાતે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે કલેક્ટર ઓફિસ પર ઉપવાસ ન કરવામાં આવતાં રાતે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. પ્રદેશ કાર્યાલય બહાર કમ્પાઉન્ડમાં જ તેઓ ગાદલા નાખી ઉપવાસ પર બેઠા છે. મોડી રાતે પેપરલીક કૌભાંડ સામે લાવનાર યુવરાજસિંહ પણ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગુલાબસિંગ અને મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

