અસિત વોરાને હટાવવા મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું છે કે, પેપર લીક કાંડમાં કોઇપણ સામેલ હશે તેની સામે કાર્યવાહી થશે. વાઘાણીએ કહ્યું કે ‘તપાસમાં જેનું પણ નામ સામે આવશે તેના પર કાર્યવાહી થશે. પછી તે ભાજપનો કાર્યકર પણ કેમ ન હોય.’ તો જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે, સમગ્ર કૌભાંડમાં ભાજપના અનેક લોકો સામેલ છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે, ‘અસિત વોરા મુખ્યમંત્રીને મળવા ગયા એમાં કહેવામાં આવ્યું કે તેઓ પુરાવા લઈને CM ને મળવા ગયા હતા. હકીકતમાં તે પુરાવા હતા કે ભાજપ અને RSS સાથે પાછલા બારણે ગોઠવવા માટે કોની કોની ભલામણ હતી એનું લીસ્ટ લઈને ગયા હતા.’ આના કારણે તેરી ભી ચુપ મેરી ભી ચુપ કરીને બચાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ મનીષ દોશીએ લગાવ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે હેડ કલાર્ક પેપર લીક કેસની તપાસ પારદર્શી રીતે કરવામાં આવી રહી છે. તેમજ સરકાર જે પણ ગુનેગાર હોય એની સામે કડક પગલાં લેવા માટે કટિબધ્ધ છે. આ ઉપરાંત કાયદો કાયદાની રીતે જ કામ કરશે તેમાં કોઇ કચાશ રાખવામાં આવશે નહિ. યુવાનોને જે તકલીફ પડી છે એ માટે દુઃખ છે. તેમજ આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલને GADને આદેશ આપ્યા છે કે પરીક્ષા યોગ્ય રીતે થાય.ઉલ્લેખનીય છે કે,હેડ ક્લાર્કનું લીક થયેલું પેપર છપાયું તે સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતને ઝડપી પાડવામાં આવ્યો છે.સૂર્યા ઓફસેટ પેપર લીક કરવાના મુદ્દે અનેકવાર વિવાદમાં આવી ચૂક્યું છે. તેમ છતાં ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા અને ભાજપના જ ધારાસભ્ય બાબુ જમના સહિતના અનેક નેતાઓના મુદ્રેશ પર ચાર હાથ હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પેપર છપાવવાનું પણ કામ સોંપાતું હતું.


